બારડોલીમાં એક વિદ્યાર્થિની માંદી પડી તો, 140 વિદ્યાર્થિનીઓને ભૂવાએ બાંધ્યા લાલ દોરા, જાણ થતાં અધિકારીઓ થયા દોડતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 15:43:56
  • Views : 620
  • Modified Date : 2023-03-03 15:43:56

આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં દિવસે દિવસે અંધશ્રદ્ધા વધુ જીવલેણ બની રહી છે. તેનો જીવંત પુરાવો સુરતના બારડોલી તાલુકામાંથી સામે આવ્યો છે. બારડોલની મઢી ગામની શાળા વિવાદમાં આવી છે. વાત્સલ્યધામ શાળામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


મઢી ગામની વાત્સલ્યધામ કન્યા છાત્રાલય શાળામાં એક વિદ્યાર્થિની બીમાર પડતા દવાખાને લઈ જવાને બદલે ગૃહમાતાએ ભૂવાને બોલાવીને પીંછી નખાવી હતી અને વિદ્યાર્થિનીના હાથમાં લાલ દોરો બાંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગૃહમાતાએ તમામ 140 વિદ્યાર્થિનીઓની પણ વિધિ અને દોરાધાગા કરાવી દીધા હતા. ત્યારે બારડોલીમાં શાળામાં અંધશ્રદ્ધા મામલે કાર્યવાહી કરવા વિજ્ઞાન જાથાએ માંગ કરી છે.


વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, બારડોલી તાલુકાના મઢી ગામની વાત્સલ્યધામ કન્યા છાત્રાલયમાં એક વિદ્યાર્થિની બીમાર પડતા ભૂવાને બોલાવવામાં આવ્યા હતા અને 140 જેટલી વિદ્યાર્થિનીઓને દોરા-ધાગા બાંધવામાં આવ્યા હતા. આની વિજ્ઞાન જાથા કડક શબ્દોમાં નિંદા કરે છે અને ગૃહ માતા અથવા સંચાલક વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવે.


તેમણે જણાવ્યું હતું કે, અમે કન્યા છાત્રાલય અને ભુવા સામે કાનુની કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. ગૃહ માતા અથવા સંચાલકે વિદ્યાર્થિઓને વૈજ્ઞાનિક તાલીમ આપવી જોઈએ. વિદ્યાર્થી કે વિદ્યાર્થિની માંદા પડે તો સારવાર કરાવવી જોઈએ.


મઢી ગામની વાત્સલ્યધામ કન્યા છાત્રાલયમાં એક વિદ્યાર્થિનીની તબિયત બગડી હતી. વિદ્યાર્થિની બૂમો પાડીને ધમાલ કરવા લાગી હતી. જેથી ગૃહમાતાએ વિદ્યાર્થિનીને સારવાર માટે દવાખાનામાં લઇ જવાને બદલે નજીકનાં ગામમાંથી એક ભૂવાને બોલાવી આખી વાત જણાવી હતી. જે બાદ આ વિદ્યાર્થિનીની વિધિ કરાવી હતી.  આ ઉપરાંત ગૃહમાતાએ તમામ વિદ્યાર્થિનીઓને પણ પીંછી નાંખીને હાથમાં દોરા બાંધી દીધા હતા.

Download Our B K News Today App



Related News