ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ રદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-09-02 12:13:26
  • Views : 4
  • Modified Date : 2026-09-02 14:21:28

ગાંધીનગર: ગુજરાતમાં નકલી દવા, નશાકારક દવાઓ અને ભેળસેળયુક્ત ખાદ્યચીજો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઓગસ્ટ 2026 દરમિયાન FDCA દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

FDCAની તપાસમાં ગંભીર ક્ષતિઓ જણાયેલી 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દવા ઉત્પાદક એકમો, બ્લડ સ્ટોરેજ સેન્ટર, મેડિકલ સ્ટોર, રેસ્ટોરન્ટ, ઢાબા અને ખાદ્ય પેઢીઓ સામે પણ અલગ-અલગ કાર્યવાહી કરવામાં આવી છે.

50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા મુજબ FDCA દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં ગંભીર ક્ષતિઓ જણાતા 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે.

રિસ્ક બેઝ્ડ ઇન્સ્પેક્શન અંતર્ગત 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે. 8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત કરવામાં આવ્યા છે, જ્યારે 11 દવાઓના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે.

લેબોરેટરી તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બ્લડ સ્ટોરેજ સેન્ટરોની પણ તપાસ

રાજ્યમાં 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરોની તપાસ કરવામાં આવી હતી. તેમાં 3 સેન્ટરોને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે અને 12 સેન્ટરોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 588 દવાઓના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

નશાકારક દવાઓના ગેરકાયદે નેટવર્ક સામે કાર્યવાહી

મંત્રીએ જણાવ્યું કે નશાકારક તેમજ બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતેની પેઢીઓમાં FDCA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં SOG સાથે સંયુક્ત કાર્યવાહીમાં એક મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

બનાવટી Nicardia Retard 10ની સપ્લાય ચેઈનની તપાસ

બનાવટી Nicardia Retard 10 ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ આગળ વધારવામાં આવી છે. J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી ટેબ્લેટ્સના વેચાણ મામલે 30થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

કાર્યવાહી દરમિયાન ₹1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત અથવા પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તપાસમાં ઉત્તર પ્રદેશના લખનઉથી અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઈન સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મૂળ ઉત્પાદક સુધી પહોંચવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રાગડમાંથી ₹2.68 લાખના કોસ્મેટિક્સ જપ્ત

અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત આનકી હર્બલમાંથી ₹2.68 લાખથી વધુ કિંમતના ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કપડવંજના ધોળીકૂઈ ખાતે બાવીશી દવાખાનામાંથી નાના બાળકો માટેની દવાનું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું. અહીંથી ₹66,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

2238થી વધુ ખાદ્ય વ્યવસાય એકમોની તપાસ

ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં કુલ 2238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્યચીજોના 2591 જેટલા નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા.

વિવિધ સ્થળોએ દરોડા દરમિયાન તેલ, મરચાં પાઉડર અને દૂધ સહિત કુલ 42,988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

પાટણમાં 14,709 કિલોગ્રામ તેલ અને 6495 કિલોગ્રામ ખાદ્ય તેલ, કામરેજ-સુરતમાં 5157 કિલોગ્રામ ઘી, જામનગરમાં 7138 કિલોગ્રામ દૂધ અને ડીસા-બનાસકાંઠામાં 6071 કિલોગ્રામ મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

રેસ્ટોરન્ટ-ઢાબાઓમાં પણ તપાસ

રાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા તથા ગુણવત્તા ચકાસવા માટે 1625થી વધુ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં ક્ષતિઓ જણાતા 306 એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યારે ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે 3078 પેઢીઓની તપાસ કરી 145 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ ₹7,54,386ની કિંમતનો 2553.10 કિલોગ્રામ બિનગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News