સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ એકત્રિત કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-11 12:54:04
  • Views : 1623
  • Modified Date : 2021-02-11 12:54:04

    અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવવા માટે રામમંદિર અયોધ્યા સમર્પણ નિધિ હેઠળ લોકો પાસેથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતની 11 વર્ષની નાની દીકરીએ સુરતમાં 4 રામકથા કરીને 50 લાખ રૂપિયા એકત્ર કરી ભવ્ય રામમંદિર માટે સમર્પિત કર્યા છે. આ સાથે તેણે લોકોને ફોળો આપવાની અપીલ કરી છે.

    ભવ્ય રામમંદિર માટે સમર્પણ નિધિ આપવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ સુરતની માત્ર 11 વર્ષીય આ નાનકડી દીકરીએ રામભક્તિની જે મિશાલ કાયમ કરી છે એ ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે. ધોરણ 6ની વિદ્યાર્થિનીએ લોકડાઉન દરમિયાન શાળાના ભણતરની સાથે ભગવદ્ગીતાનું અધ્યયન શરૂ કર્યું, ત્યાર બાદ રામાયણ પઠન કરતાં તેણે ભગવાન રામના અસ્તિત્વ અને તેમની મહાનતા અંગેની જાણકારી મળી ત્યારે તેને વિચાર્યું કે હવે રામમંદિર બનાવવા માટે તે પણ પોતાની રીતે યોગદાન આપશે. જેથી આ નાનકડી ભાવિકા રાજેશ મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમરે રામકથાનું વાંચન કરવાનો નિર્ણય લીધો હતો.


    ભાવિકા અત્યારસુધીમાં 4 જેટલી રામકથા કરીને 50 લાખ જેટલી નિધિ એકત્ર કરી છે અને એને રામમંદિર નિધિ કોષમાં આપ્યા છે. જ્યારે વ્યાસપીઠ પર બેસી ભાવિકા રામકથા કહેતી હોય છે ત્યારે લોકો જોતા જ રહી જતા હોય છે. દેશમાં પ્રથમવાર આવી ઘટના બની છે કે આટલી નાની ઉંમરમાં કોઈ દીકરી રામકથા કરી રહી છે અને હજારોની સંખ્યામાં લોકો સાંભળી રહ્યા હોય અને આ કથા સાંભળ્યા બાદ તેઓ ભવ્ય રામમંદિર બનાવવા માટે આ કથામાં દાન આપી રહ્યા છે.

    રાજેશ મહેશ્વરી (ભાવિકાના પિતા) એ જણાવ્યું હતું કે લોકો પોતપોતાની રીતે રામમંદિર બનાવવા માટે દાન આપી રહ્યા છે, ત્યારે મારી દીકરી આટલી નાની ઉંમરમાં રામકથા કરવાનો વિચાર્યું હતું, જેથી તે પણ ભવ્ય રામમંદિર બનાવવા માટે પોતાનું યોગદાન આપી શકે; આ મારી માટે ગર્વની વાત છે. ધોરણ 6માં અભ્યાસ કરતી ભાવિકા મોબાઈલ એડિકશન ક્લિનિક અને ટેલેન્ટ વર્લ્ડની ફાઉન્ડર પણ છે.

    11 વર્ષીય બાળ વ્યાસ ભાવિકાએ શ્રદ્ધાળુઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે રામમંદિર ભારતનું રાષ્ટ્રમંદિર છે. ભારતનો આત્મા ભગવાન રામમાં વસે છે. આજે જ્યારે સામાજિક માળખું વિખેરાય રહ્યું છે એવી સ્થિતિમાં રામાયણ જ આપણને યોગ્ય માર્ગ ચીંધી શકે છે, જેને પગલે આજે રામાયણના સંદેશની આપણને તાતી જરૂર છે. રામાયણના 7 કાંડ મનુષ્યના જીવનની પ્રગતિની સાત સીડી છે, જેનું વાંચન-મનન કરીને માનવી એક સારું જીવન વિતાવી શકે છે. આજે જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિથી દૂર જઇને પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, એનેના પગલે ગુનાખોરી વધી રહી છે. રામાયણ કેવળ ધાર્મિક ગ્રંથ જ નથી, બલકે તે સમાજશાંતિ અને નીતિશાંતિનું મહાકાવ્ય છે. દુનિયાની આ પહેલી કહાણી છે, જેનાં બધાં જ પાત્રોએ સ્વયં પોતાના જીવનચરિત્રથી કેવી રીતે જીવન જીવવું જોઇએ એનું પ્રેકિટલ નોલેજ દુનિયાને આપ્યું.


Download Our B K News Today App



Related News