ભાજપ સરકારના હસ્તકના મંદિરોમાં ભક્તોના દાનના નાણાંનો વ્યય, ધાર્મિક પરંપરાને તોડે છેઃ કોંગ્રેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:47:35
  • Views : 500
  • Modified Date : 2023-03-04 17:47:35

ગુજરાતમાં અંબાજી મંદિર એ લાખો - કરોડો ભક્તોની આસ્થાનું એક અવિત્ર સ્થાન છે. આ મંદિરનો વહિવટ ગુજરાત સરકાર હસ્તક કલેક્ટર બનાસકાંઠા કરી રહ્યાં છે. એજ પ્રમાણે ગુજરાતના પ્રતિષ્ઠિત જુદા જુદા મંદિરોનો વહિવટ પણ ભાજપ સરકાર કરી રહી છે. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં વારંવાર ગેરરીતિ, અણવહિવટ અને ધાર્મિક પરંપરા તોડતા અધિકારીઓ પોતાની રીતે મનસ્વિ નિર્ણયો લઈ રહ્યાં છે.

અંબાજી મંદિરમાં દોઢ વર્ષ પહેલાં જે મોહનથાળ પ્રસાદનું પેકેટ ૧૦ રૂપિયામાં મળતું હતું તેના પર ક્રમશઃ ભાવવધારો કરી અત્યારે ૧૮ રૂપિયા અને ૨૫ રૂપિયા સુધી કરી નાંખવામાં આવ્યો. એટલે કે ૧૫૦ ટકાનો તોતીંગ ભાવ વધારો મોંઘવારીનું બહાનું કરીને વસૂલવામાં આવી રહ્યો હતો. આ સાથે છ-આઠ મહિના પહેલા ચીકીનો પ્રસાદ પણ વેચવાનું ચાલુ કરવામાં આવ્યું. એકતરફ વીસ કરોડનો મોહનથાળ પ્રસાદ વેચાય અને બીજી તરફ એક-દોઠ કરોડનો ચીકી પ્રસાદ વેચાતો હતો. ભારતમાં જેમ અવિચારી નોટબંધી અચાનક લાગુ કરવામાં આવી તેમ અવિચારી રીતે છેલ્લા છ દાયકાથી પરંપરાગત અને કરોડો ભક્તોની આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ વેચવાનો બંધ કરી દેવામાં આવ્યો. સ્વાભાવિક છે કે, ચીકીના પ્રસાદમાં વધુ કમાણી થઇ રહી છે, જેથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવાયો છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલા દાનના નાણાં છેલ્લા ૧૧ વર્ષમાં ૨૧ લાખ થી વધુ રૂપિયા વી.આઈ.પી. મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ, સંબંધિઓની ખાવા-પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યાં. જેની માહિતી આર.ટી.આઈ. દ્વારા મેળવવામાં આવેલી છે.

અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠ મંદિરનું ઉદઘાટન ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ હતું. આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે ભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. થાળ તો ઠીક પરંતુ માતાજીની સાડીઓ પણ રોજ શણગારીને બદલવામાં નથી આવતી. ઉપરોક્ત ૬૧ મંદિરોમાં માત્ર ૩૫ પુજારી સેવા આપી રહ્યાં છે. મુખ્યમંદિરમાં રોજ સરેરાશ ૧૦૦ થી વધારે સાડીઓ ભેટમાં શ્રધ્ધાંળુઓ આપી રહ્યાં છે. માત્ર વહિવટી કુશળતા હોય તો આજ સાડીઓ એ બાકીના મંદિરમાં માતાજીને ચઢાવી શકાય. એજ પ્રમાણે ગબ્બરમાં લાઈટ અને સાઉન્ડ શો દરમ્યાન માતાજીની દિપ આરતી માટે ૧૦ રૂપિયા કોઈપણ જાતના ઠરાવ કે આદેશ વિના શક્તિ સેવા કેન્દ્ર ટ્રસ્ટદ્વારા વસુલવામાં આવી રહ્યાં છે. આ ટ્રસ્ટને અંબાજીની ઘણીખરી મોકાની જમીનો પણ આપી ફાળવી દેવામાં આવ્યાં છે અને તેમાં પણ એક મોટુ કૌભાંડ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 

ભૂતકાળમાં સોમનાથ ટ્રસ્ટની અંદર પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો ની ખરીદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસના આદેશ પી.કે. લહેરીએ આપ્યા હતા. સોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ પાડીને પવિત્ર ત્રિવેણી સંગમ પર પીંડદાન અને અસ્થીવિસર્જન પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેનો સ્થાનિકો અને શ્રધ્ધાંળુઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓની મનમાની બર આવી ન હતી. બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં બહુચરાજી મંદિરમાં ૫૬ ફુટ ઉંચા મંદિર બનાવવાના ૧૫ કરોડ ખર્ચયા પછી ખબર પડી કે મંદિર ૪૯ ફુટ ઉંચુ જ બન્યુ અને અધિકારીઓની તથા સત્તાધિશોની અણઆવડત અને અણસમજ છતી થઈ જેના કારણે મંદિર ઉપર વધુ ત્રણ કરોડનું બોજો આવ્યો. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં અધિકારીઓ સિવાય સામાન્ય જનતાના પ્રતિનિધિઓને ટ્રસ્ટી તરીકે મુકવાની જોગવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં તાલુકા પ્રમુખ અને જે તે વિસ્તારના ધારાસભ્યને પણ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે મુકવામાં આવતા હતા જેથી સ્થાનિક પ્રશ્નોનું શાંતિથી નિવારણ થાય. પરંતુ અત્યારે ટ્રસ્ટોમાં આ પ્રમાણેના નિયમોની અનદેખી કરવામાં કરવામાં આવે છે. બહુચરાજી ટ્રસ્ટમાં છ મહિના પહેલા નવા ટ્રસ્ટીઓની સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી અને ચાર જ મહિનામાં તેઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યાં.

Download Our B K News Today App



Related News