ઝારખંડ સરકારના શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરતા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2023-01-02 15:11:00
  • Views : 493
  • Modified Date : 2023-01-02 15:11:00

ઝારખંડ સરકારે જ્યારથી સમેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કર્યા છે ત્યારથી ભારતભરના જૈનો વિરોધ કરી રહ્યા છે. આજે દિલ્હી, મુંબઇ તથા અમદાવાદ સહિત દેશભરના વિવિધ સ્થળોએ જૈન સમુદાય દ્વારા શાંતિપુર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઝારખંડ સરકારને પોતાના નિર્ણયથી પરત ખેંચવાની માગ કરી છે.

આ દરમ્યાન જૈન સમાજના જૈનાચાર્ય મહાબોધિસુરિએ ચીમકી આપી હતી કે, ગીરી પર દાદા ચાલશે, પણ દાદાગીરી નહિં ચાલે. અમે સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ. અન્ય એક જૈનમુનિ રત્નસુંદરજીએ કહ્યું કે, વર્તમાન માહોલ એ જૈન સમાજનું ડિફેન્સ બજેટ છે. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જૈન સમાજ એ શક્તિ દેખાડવાની છે, તેને વાપરવાની નોબત લાવે તે પહેલાં નિર્ણય લઇ લેવો જોઇએ.

ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં સ્થિત સમેદ શિખર પાર્શ્વનાથ પર્વત તરીકે પણ ઓળખાય છે. જૈન ધાર્મિક માન્યતા અનુસાર અહીં 24માંથી 20 જૈન તીર્થંકરો અને સાધુઓને મોક્ષ મળ્યો હતો. સમેદ શિખર જૈનોની પવિત્ર યાત્રા સ્થાન છે. જૈનોના મતે સમેદ શિખરનો એક એક કણ ખૂબ જ પવિત્ર છે. જૈન સમુદાય સમેદ શિખરની મુલાકાત લે છે અને ૨૭ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા મંદિરોની મુલાકાત લે છે અને પૂજા કરે છે. જૈનો પૂજા-પાઠ કર્યા પછી જ ખાય-પીતા હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિથી તે પવિત્ર સ્થાનની પવિત્રતા અને જૈનોની આસ્થાને ઠેસ પહોંચી શકે છે.

ઝારખંડ સરકારે આ સ્થળને ઇકો-સ્પોટ જાહેર કરીને તેને પિકનિક સ્પોટમાં ફેરવી દીધું છે. તેના કારણે ભવિષ્યમાં ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કર્ણાટક, ઝારખંડ અને મધ્યપ્રદેશના જૈનો વિવિધ સ્થળોએ મૌન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં જ ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી અને સહારનપુરના સાંસદ હાજી ફઝલુર રહેમાને સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદ મનોજ તિવારીએ લોકસભાને સંબોધિત કરતા કહ્યું કે, ઝારખંડ સરકારના આ નિર્ણયની સીધી અસર સમેદ શિખરની પવિત્રતા પર પડે છે. જૈનો ઇચ્છે છે કે આ આદેશને રદ કરવામાં આવે.

Download Our B K News Today App



Related News