ગુજરાતનું એવું મંદિર કે જેનો ઈતિહાસ આજે પણ રહસ્યોથી ભરેલો, ગાય જાતે કરતી હતી દૂધથી મહાદેવનો અભિષેક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-16 15:23:44
  • Views : 215
  • Modified Date : 2023-05-16 15:23:44

આણંદ: આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્ચિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત 1 હજાર વર્ષ કરતાં પણ પુરાણું વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અતિ પ્રાચીન અને ઐતિહાસિક ગણાતા દેવાધિદેવ મહાદેવના આ મંદિરનું માહાત્મ્ય અનેરૂ છે. એક દંતકથા મુજબ હાલ જીટોડીયા ગામ જ્યાં વસેલુ છે તે વિસ્તાર વર્ષો પૂર્વે હેડંબા વન તરીકે જાણીતો હતો.તે સમયે ભીમ હેડંબા સાથે લગ્ન કરીને આ વનમાં રહેતો હતો. કહેવાય છે કે, ભીમ શિવભકત હોવાથી આ વનમાં ભોલેનાથની પૂજા-અર્ચના કરવા માટે શિવલિંગની શોધખોળ કરતો હતો. તે સમયે ઝાડી-ઝાંખરામાં દટાઈ ગયેલું શિવલિંગ મળી આવ્યું હતું. જ્યાં ભીમે મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. સમય જતાં કુદરતી આફતોના કારણે આ શિવલીંગ જમીનમાં દટાઈ ગયું હતું.આ અંગે વધુ માહિતી જાણતા, ઈ.સ. 1212માં ગુજરાતમાં રાજા સિદ્ધાર્થ જયસિંહ સોલંકીના શાસનમાં ગાયો ચરાવતા એક ગોવાળની ગાય હંમેશા એક સ્થળ ઉપર પોતાનું દૂધ ઝરી દેતી હતી. ગાયના આંચળમાંથી દૂધ ખાલી થતું નિહાળી ગોવાળે પોતાના સાથી મિત્રો સાથે તે સ્થળે પાવડા-કોદાળી અને ત્રિકમ જેવા ઓંજારોથી ખોદકામ કરાવ્યું હતું તે સમયે ત્યાં આ શિવલીંગનો પ્રાદુર્ભાવ થયો હતો.કહેવાય છે કે, ઓજારોના ઘા વાગવાથી આ શિવલીંગ ખંડિત થયું હતું. ખંડિત થયેલા આ શિવલિંગના છિદ્રોમાંથી ધીમી ધારે પાણીની ઝાર ફૂટી નીકળતા લોકોમાં આશ્રય ફેલાયું હતું. આ વાત રાજા સિદ્ધાર્થના કાને જતા જ તેમણે અહીંયા ખોદકામ કરાવીને પ્રગટ થયેલા શિવલીંગને પાટણના સહસ્ત્રલિંગ તળાવમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.શિવભકત માતા મીનળદેવીને દેવાધિદેવ મહાદેવે સ્વપ્નમાં આવી આદેશ આપ્યો હતો કે, આ શિવલિંગ ભગવાન શિવની અમૂલ્ય ભેટ છે તેમાંથી જે જળ વહે છે તે ગંગા જળ જેટલું પ્રવિત્ર છે માટે ભગવાન શિવની આ અમૂલ્ય ભેટને તોડફોડ કરશો નહીં. જ્યાંથી આ શિવલીંગ મળ્યું છે તે સ્થળે જ તેનું નિર્માણ અથવા સ્થાપના કરાવશો. જેથી રાજા સિદ્ધાર્થે સને 1212માં પથ્થરો-ચુના અને પાટલા ઈંટોથી અહીંયા શિવાલય બનાવી તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો.આમ રાજા સિદ્ધાર્થના શાસન કાળમાં જીટોડીયા ખાતે વૈજનાથ મહાદેવનું નિર્માણ થયું હોવાની લોક કથા છે. જો કે મોગલ શાસન દરમિયાન પણ આ મંદિર ઉપર હુમલો થયો હોવાના અવશેષો હાલ અહીંયા મોજૂદ છે. અતિ પ્રાચીન એવા વૈજનાથ મહાદેવ મંદિરનું માહાત્મ્ય અનેરૂ છે.અહીંયા સ્વયંભૂ શિવલિંગમાંથી હજારો વર્ષોથી અવિરતપણે ગંગાજળ જેવું પવિત્ર જળ નીકળે છે. હજારો વર્ષથી કુદરતની આ કરામતને કોઈ જાણી શક્યું નથી. શિવલિંગમાંથી નીકળતું આ જળ ક્યાંથી અને કેવી રીતે આવે છે તેનું રહસ્ય પણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે.એટલું જ નહીં આ જળમાં ઔષધિય ગુણો રહેલા છે માટે વૈજનાથ નામ વૈજનાથમાંથી અપભ્રંશ થઈ પ્રસિદ્ધ થયું છે જે નામે આજે આ મંદિર જાણીતું બન્યું છે. વૈજનાથ મંદિરના પગથિયા ચઢતા જ જમણાં હાથે સાધુ-સંતોની નાની મોટી આશરે 75 જેટલી ડેરીઓ આવેલ છે. જેને સમાધિ સ્થાન પણ કહેવામાં આવે છે.આ સિવાય આ વૈજનાથ મહાદેવના મંદિરના સંકુલમાં ભૈરવનાથ,જાદુઈ હનુમંત, જલારામ બાપા, સાંઈબાબા, શનૈશ્વર અને સંતોષી માતાનું મંદિર પણ આવેલ છે. પ્રતિદિન,વાર તહેવાર તેમજ સોમવાર અને શનિવારના રોજ અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે અને દેવાધિદેવ મહાદેવ સહિત અન્ય દેવદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે.પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા ઘણા બ્રાહ્મણો શિવ આરાધનામાં લીંન બને છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અસંખ્ય શિવભકતો દાદાના દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના છેલ્લા સોમવાર, જન્માષ્ટમી અને ધરો આઠમ જેવા પર્વ ટાણે વૈજનાથ મહાદેવ ખાતે મેળા પણ ભરાયા છે. જીટોડીયા ગામ સહિત આજુબાજુ ગામના લોકો આ મેળામાં આવે છે. આ મંદિરે લોકોની દરેક પ્રકારની મનોકામના માગે છે જે વૈજનાથ મહાદેવ પૂર્ણ કરે છે.

Download Our B K News Today App



Related News