1 એપ્રિલથી LPG સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો, હવાઈ ઇંધણની કિંમતોમાં 3%નો ઘટાડો થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:40:43
  • Views : 511
  • Modified Date : 2021-04-01 11:40:43

    રસોઈ ગેસની મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને થોડી રાહત મળી છે. સરકારી તેલ કંપનીઓએ રસોઈ ગેસ એટલે કે LPGની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો આજથી એટલે કે 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે. આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં સબ્સિડી વગરનો ગેસ સિલિન્ડર 809 રૂપિયા થઈ ગયો છે. અગાઉ તેની કિંમત 819 રૂપિયા હતી. મે 2020 બાદ આ પહેલી વખત છે જ્યારે રસોઈ ગેસની કિંમતમાં ઘટાડો થયો હોય. બીજી તરફ હવાઈ ઇંધણની કિંમતોમાં પણ 3%નો ઘટાડો થયો છે.

    નવેમ્બરમાં દિલ્હીમાં સબ્સિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી. 1 ડિસેમ્બરના રોજ તેની કિંમત વધીને 644 રૂપિયા થઈ ગઈ હતી. 15 ડિસેમ્બરના રોજ 50 રૂપિયાના વધારાની સાથે તેની કિંમત 694 રૂપિયા થઈ ગઈ. 4 ફેબ્રુઆરીના રોજ ભાવ 25 રૂપિયા વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો. 15 ફેબ્રુઆરીએ ફરીથી સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 1 માર્ચના રોજ પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને કિંમત 819 રૂપિયા સુધી પહોંચી ગઈ. આ રીતે ડિસેમ્બરથી માર્ચ સુધી 5 વખત ગેસ સિલિન્ડરની કિંમતમાં 225 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.

    બીજી તરફ એવિએશન ટર્બાઈન ફ્યુલ (ATF)ની કિંમતોમાં આજથી એટલે કે 1 એપ્રિલથી 3%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલની કિંમતમાં ઘટાડાને ધ્યાનમાં રાખતા આ ઘટાડો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓની તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, રાજધાની દિલ્હીમાં ATFની કિંમત 1887 રૂપિયા પ્રતિ કિલોમીટર ઘટી ગઈ છે. હવે દિલ્હીમાં ATF 58,374.16 રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ ગયો છે. અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં ATFની કિંમતમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો.

    કોવિડ-19ના કારણે એરલાઈન્સ પોતાની સંપૂર્ણ ક્ષમતાની સાથે ઉડાન નથી ભરી શકતી. આ કારણે કંપનીઓનો ખર્ચ વધી રહ્યો છે. ATFની કિંમતમાં ઘટાડાથી એરલાઈન્સને રાહત મળશે અને તેમના ખર્ચમાં પણ ઘટાડો થશે. ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોવિડ પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તેનાથી હવાઈ મુસાફરીને પણ અસર થઈ રહી છે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોવિડ-19 સંક્રમણ વધશે તો પણ ઘરેલુ ઉડાન સેવાને બંધ કરવાનો કોઈ ઇરાદો નથી.


Download Our B K News Today App



Related News