ભારે કરી! ગુજરાતના આ 3 માર્કેટ યાર્ડમાં હજુ સુધી શરૂ નથી કરાઇ ડુંગળીની ખરીદી, ખેડૂતો અટવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-09 13:37:59
  • Views : 603
  • Modified Date : 2023-03-09 13:37:59

રાજ્યની કુલ 3 APMC પોરબંદર, ગોંડલ અને મહુવામાંથી નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. છતાં પોરબંદર, ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. એટલું જ નહીં આ માર્કેટયાર્ડમાં ડુંગળીનું સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું નથી. નાફેડ દ્વારા જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. હવે નાફેડે સેન્ટર ફાળવવા માટે પોરબંદર એપીએમસીને જાણ ન કરી હોવાનો APMC દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, આ તમામની વચ્ચે વેઠવાનો વારો તો ખેડૂતોને જ આવ્યો છે. 

આ અંગેની જાણ થતા VTV ન્યૂઝની ટીમ પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે પહોંચી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, પોરબંદર માર્કેટ યાર્ડમાં જાહેરાત બાદ ડુંગળીની ખરીદી માટે ના કોઈ ઠેકાણા જ નથી. આજે ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જોકે, કોઈપણ જાતની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતો પાછા ફર્યા હતા. 

દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં નાસિક બાદ ભાવનગર બીજા નંબરે છે. મહુવા, તળાજા, ઘોઘા પંથકમાં 40 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. મહુવામાં આજે પણ 2 લાખ ડુંગળીના થેલા યાર્ડમાં પડ્યા છે. મહુવા યાર્ડમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથના ખેડૂતો આવે છે. ત્યારે ભાવનગરના મહુવામાં પણ ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 

મહત્વનું છે કે, એક તરફ ખેડૂતોને ભાવની ભાંજગડ સતાવતી હતી ત્યારે ઉપરથી કમોસમી વરસાદનો માર પડ્યો હતો. આ સંજોગોમાં પાક ક્યાં સાચવવો તે સવાલે ધરતીપુત્રોની ઊંઘ હરામ કરી નાખી હતી. જોકે, મોડે મોડે કેન્દ્ર સરકાર ડુંગળી પકવતા ખેડૂતોની વ્હારે આવી હતી, કેન્દ્ર સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ એટલે કે NAFEDને ડુંગળી ખરીદવાનો આદેશ આપ્યો હતો. 

આ અંગે રાઘવજી પટેલે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ડુંગળીમાં નુકસાન થયુ એની રજૂઆતો કરી હતી અને હવે નાફેડે અત્યારે જાહેરાત કરી દીધી છે. નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી પણ શરૂ કરી દેશે અને ડુંગળીના પુરા ભાવ ખેડૂતોને મળશે. જ્યાં સુધી બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે ત્યાં સુધી નાફેડ ખરીદી કરશે અને હજુ પણ જે APMCમાં ડુંગળીની આવક વધુ હશે તેને સમવવા નાફેડને ભલામણ કરીશું.

તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં ખેડૂતો પાસેથી નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવશે, મહુવા APMC સહિત ગોંડલ અને પોરબંદર APMCમાંથી પણ ડુંગળીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી બાદ પેમેન્ટ, ખેડૂતોને ઓનલાઈન મોકલવામાં આવશે. 

Download Our B K News Today App



Related News