ગુજરાત યુનિ.ના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ચાર્જ ડીન દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-26 13:11:24
  • Views : 504
  • Modified Date : 2022-12-26 13:11:24

ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં તમામ ફેકલ્ટીના ડીનની મુદત પુરી થઇ ગઇ છે. હવે નવા ડીનની ચૂંટણી થાય તે પહેલા પદવીદાન સમારંભનું આયોજન કરી દેવું પડે તેમ છે. આમ, હવે ચાલુ વર્ષે થનારા પદવીદાન સમારંભમાં પદવી આપવાની જાહેરાત કરવા માટે કાયમી ડીન ન હોવાના કારણે ઇન્ચાર્જ ડીનના હાથે જ પદવીગ્રહણ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
યુનિવર્સિટીમાં આર્ટસ,કોમર્સ, સાયન્સ, લૉ, એજ્યુકેશન અને મેડિકલ-ડેન્ટલ સહિતની તમામ ફેકલ્ટીના ડીનની મુદત ગત 16 ડિસેમ્બરે પુરી થઇ ચુકી છે. નિયમ પ્રમાણે કાયમી ડીનની મુદત પુરી થાય તે પહેલા જ નવા ડીનની ચૂંટણીની જાહેરાત કરી દેવી પડી છે. જોકે, ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ હોવાથી ફેકલ્ટી ડીનની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર ન પડતાં ચૂંટણી થઇ શકી નથી. સૂત્રો કહે છે હવે યુનિવર્સિટી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવે તો પણ પદવીદાન સમારંભનું આયોજન થાય તે પહેલા નવા ડીનની ચૂંટણ થઇ શકે તેમ નથી. નિયમ પ્રમાણે પદવીદાન સમારંભમાં જે ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની હોય તે ફેકલ્ટીના ડીન પદવીદાન સમારંભમાં ઉભા થઇને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની મંજુરી માંગતા હોય છે. રાજયપાલ મંજુરી આપ્યા બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ડીન દ્વારા કરવામાં આવતી હોય છે. યુનિવર્સિટીમાં ડીનની મુદત પુરી થઇ હોવાથી હાલમાં કાયમી ડીન નથી. પદવીદાન સમારંભમાં નિર્ધારિત કરેલી ઔપચારિક્તા પુરી કરવી જરૂરી છે. કાયમી ડીન ન હોય તો કોઇપણ અધ્યાપકને ઇન્ચાર્જ ડીન બનાવીને પણ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં કોઇ એક ફેકલ્ટીમાં ડીન હોય ત્યારે અન્ય ડીનને તેનો ચાર્જ આપીને તેના દ્વારા પદવીદાનની ઔપચારિક્તા પુરી કરવામાં આવતી હોય છે. મહત્વની વાત એ કે હાલ તમામ છ ફેકલ્ટીના ડીનની મુદત પુરી થઇ ચુકી છે. આ સ્થિતિમાં પહેલી વખત તમામ ફેકલ્ટીના ડીન ઇન્ચાર્જ તરીકે રાજયપાલ તરીકે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની મંજુરી માંગશે. આમ, યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત આર્ટસ,કોમર્સ અને સાયન્સથી લઇને મેડિકલ અને લૉ, એજ્યુકેશનમાં પણ પદવી એનાયત કરવા માટે રાજયપાલ પાસે મંજુરી માંગશે તે કાયમી ડીન નહી હોય, ઇન્ચાર્જ ડીન દ્વારા જ ડિગ્રી એનાયત કરવામાં આવશે

Download Our B K News Today App



Related News