વિદ્યાર્થી સંગઠનોની આંદોલન ચાલુ રાખવાની જાહેરાત , અંતે, ગુજ. યુનિ.એ નમતુ જોખ્યુ, વિદ્યાર્થીલક્ષી બન્ને પ્રકારની સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-20 15:46:19
  • Views : 489
  • Modified Date : 2023-01-20 15:46:19

ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ઝડપથી થાય તે માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપીને ફીમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયનો એબીવીપી અને એનએસયુઆઇ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ કે છેલ્લા બે દિવસથી ચાલતાં આંદોલનના પગલે હવે યુનિવર્સિટીએ જૂની અને નવી બન્ને સેવાઓ ચાલુ  રાખવાની જાહેરાત કરી દીધી છે.
યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે અથવા તો અન્ય ઉચ્ચ અભ્યાસ સહિતની પ્રક્રિયામાં માઇગ્રેશન, ઇન્ટર્નશિપ કંપ્લીશનસર્ટિફિકેટ, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, પ્રોવિઝનલ એલીજીબીલીટી સર્ટિફિકેટ, માર્કશીટ-ડિગ્રી વેરિફિકેશન સહિતની કામગીરી કરવી પડે છે. આ તમામ કામગીરી યુનિવર્સિટીના જ કર્મચારીઓ દ્વારા સામાન્ય ફી સાથે કરવામાં આવતી હતી. યુનિવર્સિટીએ તાજેતરમાં આજ કામગીરી કરવા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટર આપી દેવામાં આવ્યો હતો. ખાનગી એજન્સીએ પોતાના કર્મચારીઓને પણ યુનિવર્સિટીમાં ગોઠવી દીધા હતા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં ધક્કા ન ખાવા પડે અને ઓનલાઇન કામગીરી થઇ શકે તે માટે ખાનગી એજન્સીને રોકવામાં આવી હોવાની સ્પષ્ટતાં સાથે દરેક ફીમાં વધારો પણ કરી દેવામાં આવ્યો હતો. અગાઉ જે ફી લેવામાં આવતી હતી તેમાં અંદાજે 400 ટકાનો વધારો થતાં વિદ્યાર્થીસંગઠનો મેદાનમાં આવી ગયા હતા. અગાઉ એબીવીપી ત્યારબાદ એનએસયુઆઇ અને ફરીવાર આજે એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં હલ્લાબોલ કરીને દેખાવો કરીને તાકીદે ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી ચાલતાં આંદોલનના કારણે આજે યુનિવર્સિટીએ જૂની પધ્ધતિ પણ ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી હતી. આ મુદ્દે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના અધિકારી કહે છે કે, નવી એજન્સીને આપવામાં આવેલી કામગીરી પણ ચાલુ રહેશે અને જૂની પધ્ધતિ પ્રમાણે પણ કામગીરી ચાલુ રાખામાં આવશે. નવી એજન્સીને આપવામાં આવેલી કામગીરીમાં ફીમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓ ઇચ્છે તો યુનિવર્સિટીમાં જૂની ફી પ્રમાણે અને ઇચ્છે તો નવી એજન્સી પાસે ઉંચી ફી આપીને કામગીરી કરાવી શકશે.

Download Our B K News Today App



Related News