ઈશાનને વન-ડેમાં બહાર બેસાડતા વેંકટેશ પ્રસાદે રોહિત પર ઠાલવ્યો આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-11 16:08:12
  • Views : 496
  • Modified Date : 2023-01-11 16:08:12

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે સ્પષ્ટ કરી દીધુ હતું કે, તેની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઈશાન કિશન બહાર રહેશે. ભારતીય કેપ્ટનના આ નિવેદન પર પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદે નારાજગી વ્યક્ત કરી હતી. વેંકટેશ પ્રસાદે કહ્યું કે, ભારતીય ટીમમાં પ્રદર્શનને યોગ્ય મહત્વ આપવામાં આવી રહ્યું નથી, કારણ કે બેવડી સદી ફટકારનાર બેટ્સમેનને બહાર રાખવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં રેકોર્ડ બેવડી સદી ફટકારી હતી. વેંકટેશ પ્રસાદે એક પછી એક ટ્વીટમાં રોહિત શર્મા સહિત ભારતીય ટીમ મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદે રોહિત શર્માના પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કરતા પહેલું ટ્વીટ કર્યુ હતું, જેમાં તેણે 'જો તમે સ્પષ્ટ રીતે વિચારો તો તે ખેલાડીને મોકો મળવો જોઈએ જેણે ભારતની છેલ્લી વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આ એવી સીરીઝ હતી કે જ્યાં ભારત બે મેચ અને સીરીઝ પણ હારી ગયું હતું. ગિલ પાસે દુનિયાભરનો સમય છે પરંતુ તમે એવા ખેલાડીને બહાર બેસાડી દીધો કે જેણે બેવડી સદી ફટકારી હતી. પ્રસાદે આ સાથે જ એક સૂચન પણ આપ્યુ હતું કે, જો ગિલને રમાડવો મહત્વપૂર્ણ હતો તો પછી કેએલ રાહુલને બહાર કરી શકત. તેણે તેની બીજી ટ્વીટમાં લખ્યું, જો કોઈ ગિલને રમાડવા માટે રાજી હોય તો આપણે તેને ત્રીજા નંબર પર પણ મોકલી શકીએ. ઈશાન કિશન પાસેથી વિકેટકીપિંગ કરાવીને રાહુલને બહાર કરાવી શકત. વેંકટેશ પ્રસાદે જણાવ્યુ હતું કે, ભારતીય ટીમનું પ્રદર્શન મર્યાદિત ઓવરોમાં શા માટે સારું રહ્યું નથી. તેણે પછીની ટ્વીટમાં કહ્યું કે, મર્યાદિત ઓવરની ક્રિકેટમાં આપણે સારું પ્રદર્શન નથી કરી રહ્યા તેનું એક કારણ છે - સતત ફેરફાર કરવા અને એક છોકરો કે જેણે બહેતરીન પ્રદર્શન કર્યુ અને તે એક્સ ફેક્ટર હોય તેને બહાર બેસાડી દેવો. વેંકટેશ પ્રસાદે કહ્યું કે, હવે પ્રદર્શન એ પસંદગીનું માપદંડ રહ્યું નથી. તેણે રિષભ પંતનું ઉદાહરણ આપીને સમજાવ્યું. પ્રસાદે પોતાની છેલ્લી ટ્વીટમાં લખ્યું હતું કે, પંતે ઈંગ્લેન્ડમાં છેલ્લી વનડેમાં સદી ફટકારીને ભારતને સીરીઝમાં જીત અપાવી હતી. જો કે T20 ફોર્મના આધારે તેને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. કેએલ રાહુલ સતત નિષ્ફળ જઈ રહ્યો છે પરંતુ તે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો. પ્રદર્શન હવે ઉચ્ચતમ માપદંડ રહ્યું નથી તે દુ:ખદ બાબત છે.

Download Our B K News Today App



Related News