કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને રમશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-21 14:45:12
  • Views : 70
  • Modified Date : 2026-01-21 14:45:12

પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે ક્રિકેટ સિરીઝ ગુમાવવાથી થોડી હતાશ થઈ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં હવે ટી20 સિરીઝમાં આ જ હરીફ સામે રમવાની છે ત્યારે રમતનું ફોર્મેટ બદલાવાની સાથે ભારત તેની આગવી શૈલીથી આ સિરીઝમાં રમશે. ટી20માં ભારતીય ટીમ વધુ મજબૂત છે અને હાલમાં તે વર્લ્ડ ચેમ્પિયન છે. આ ઉપરાંત થોડા સમયમાં જ ટી20 વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેની તૈયારી માટે ભારતીય ટીમ પાસે આ અંતિમ તક રહેલી છે. અહીંના વીસીએ સ્ટેડિયમ ખાતે બુધવારે સાંજે 7.00 કલાકથી મેચનો પ્રારંભ થશે.

સૂર્યકુમાર યાદવ ઇચ્છશે કે તેની ટીમના મોખરાના બેટર્સ આક્રમક વલણ અપનાવે અને એવો સ્કોર રજૂ કરી શકે જેને ડિફેન્ડ કરવામાં તેના બોલર્સને સરળતા રહે. ભારતે માત્ર અન્ય બેટર નહીં પરંતુ ખુદ સૂર્યા પાસેથી પણ સારી બેટિંગની અપેક્ષા રાખવાની છે. 2025ના વર્ષમાં સૂર્યા તેની બેટિંગમાં ખાસ કમાલ કરી શક્યો ન  હતો.

જોકે એક કેપ્ટન તરીકે સૂર્યાએ કમાલ કરેલી છે. તેણે ટીમની આગેવાની લીધી ત્યાર બાદ ભારતે 72 ટકા મેચો જીતેલી છે. આ સફળતા તેની કંગાળ બેટિંગને કારણે ઢંકાઈ ગઈ છે.

ભારતીય ટી20 ટીમ છેલ્લા બે વર્ષથી ઓટોપાયલટ મોડ પર છે પરંતુ અહીં વિચિત્ર હાર થઈ છે અને ટોચના ગુણવત્તાવાળા આઇપીએલના ખેલાડીઓથી બનેલી ટીમમાં નાની ખામીઓ પણ છે, જે તેની અલગ પ્રકારની ભૂમિકાઓ જાણે છે.

જોકે, ભારત તેનું ટાઇટલ બચાવ કરનારી પ્રથમ ટીમ બનશે તેવી અપેક્ષાઓ વચ્ચે ઘરઆંગણે રમવાનું દબાણ સૂર્યકુમાર યાદવના મન પર ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝ અગાઉ હશે તો તે ટીમને ભારે પડશે. ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કોઈ ટીમ સળંગ બે વાર ટાઇટલ જીતી શકી નથી. રોહિત શર્માની ટીમે 2024માં ટાઇટલ જીત્યું હતું જે હવે રોહિતની નિવૃત્તિ બાદ સૂર્યાની જવાબદારી બની ગયું છે.

છેલ્લા એક વર્ષમાં ન્યૂઝીલેન્ડે ઘણી સિદ્ધિ પહેલી વાર નોંધાવી છે. જેમાં ભારતીય ધરતી પર પહેલી વાર ટેસ્ટ અને વન-ડે સિરીઝ હાંસલ કરવાની સિદ્ધિ પણ સામેલ છે. બે દિવસ અગાઉ પૂરી થયેલી વન-ડે સિરીઝમાં ડેરેલ મિચેલે બેટિંગમાં ઝંઝાવાત સર્જ્યો હતો. એક તબક્કે તો એમ લાગતું હતું કે ભારતીય બોલર્સે તેને આઉટ કરી શકે તેમ જ નથી. તેણે રાજકોટ અને ઇન્દોરમાં સદી ફટકારી હતી અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.

જોકે ટી20 અલગ પ્રકારનું ક્રિકેટ છે. અહીં ગમે ત્યારે ગમે તે બની શકે છે અને ન્યૂઝીલેન્ડ પાસે પણ પરિણામ બદલવાની કાબેલિયત છે તેમ છતાં સૂર્યાની ટીમ વધુ અસરકારક રમત દાખવવા સક્ષમ છે. ભારતે સૂર્યાની આગેવાનીમાં છેલ્લી 25માંથી 18 મેચ જીતી છે અને તેમાં અભિષેક શર્મા તથા વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીઓનું પ્રમુખ યોગદાન રહેલું છે. હવે આ બંને પાસેથી આ સિરીઝમાં પણ એવા જ યોગદાનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

 


Download Our B K News Today App



Related News