ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ ટક્કર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:27:16
  • Views : 76
  • Modified Date : 2025-06-01 10:27:16

 અમદાવાદ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ ભારે ચડાવ ઉતાર, વચ્ચે સરહદી તનાવે કારણે એક સપ્તાહના બ્રેક બાદ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ ધપી રહી છે ત્યારે રવિવારની બીજી ક્વોલિફાયર મહત્વપૂર્ણ બની રહેનારી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. સાંજે  7.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.

એક તરફ મુંબઈ ઇન્ડિયન્સ છે જેની પાસે આ પ્રકારની (પ્લે ઓફ અને ફાઇનલ) મેચો રમવાનો ઘણો બહોળો અનુભવ છે તો બીજી તરફ પંજાબ કિંગ્સ છે જે  પ્લે ઓફમા રમવાનો તેની હરીફ ટીમ જેટલો અનુભ ધરાવતી નથી. બીજું પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં મોખરે રહી હતી પરંતુ પ્રથમ ક્વોલિફાયરમાં બેંગલોર સામે તેનો કારમો પરાજય થયો હતો. તે અગાઉ દિલ્હી કેપિટલ્સ સામે તે હારી ગઈ હતી. આમ છતાં મુંબઈ સામેની અંતિમ લીગ મેચમાં તેનો વિજય થયો હતો તેટલો તેનો હાથ ઉપર રહેશે પરંતુ મુંબઈની ટીમ આ વખતે અલગ જ મૂડમાં છે. તેના મોટા ભાગના ખેલાડી ફોર્મમાં આવી ગયા છે જે માત્ર પંજાબ જ નહીં પરંતુ બેંગલોરની ટીમ માટે પણ જોખમકારક છે.

મુંબઈએ હજી શુક્રવારે જ પ્રતિભાશાળી એવી ગુજરાત ટાઇટન્સને હરાવીને આગેકૂચ કરી હતી. એ મેચમાં મુંબઈએ 228 રનનો પ્રબળ સ્કોર રજૂ કર્યો હતો અને ગુજરાતને ત્યાં સુધી પહોંચવા દીધું ન હતું. મુંબઈનું જમાપાસું એ છે કે તેનો સ્ટાર બેટસમેન રોહિત શર્મા હાલમાં ફોર્મમાં છે અને તેની 81 રનની ઇનિંગ્સ ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈના વિજયમાં કમાલ કરી ગઈ હતી. રોહિતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની પ્રથમ ક્વોલિફાયરમાં પંજાબનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો. શ્રેયસ ઐયર આ અંગે ચિંતિત હશે કેમ કે તેની ટીમ ખરા સમયે જ ફોર્મ ગુમાવી બેઠી છે. હવે રવિવારે તેને મુંબઈ જેવી ચબરાક ટીમ સામે રમવાનું છે જેની પાસે રોહિત શર્મા, સૂર્યકુમાર  યાદવ, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન છે તો તેમના બોલિંગ આક્રમણમાં જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને મિચેલ સેન્ટનર જેવા ખ્યાતનામ બોલર છે. 

મુંબઈ ઇન્ડિયન્સ માટે આ વખતની સિઝનનો પ્રારંભ કંગાળ રહ્યો હતો પરંતુ એક વાર ફોર્મ હાંસલ કર્યા બાદ ટીમે પાછું વળીને જોયું નથી. આ સંજોગોમાં મુંબઈ અત્યારે સૌથી ખતરનાક ટીમ બની ગઈ છે. પંજાબ સામે જીતીને તે ફાઇનલમાં આવશે તો બેંગલોર માટે પણ તે જોખમી બની શકે છે. મુંબઈ હાલમાં જે રીતે ફોર્મમાં રમી રહ્યું છે તે જોતાં પંજાબે રવિવારની મેચમાં નવી રણનીતી સાથે મેદાનમાં ઉતરવું પડશે.

Download Our B K News Today App



Related News