પાકિસ્તાન-ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-20 18:17:24
  • Views : 457
  • Modified Date : 2022-12-20 18:17:24

પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા રેહાન અહમદ (48/5)ની મદદથી ઇંગ્લેન્ડે સોમવારે ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં પાકિસ્તાનને 216 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 167 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ઈંગ્લેન્ડે દિવસની રમતના અંતે બે વિકેટના નુકસાન પર 112 રન ફટકાર્યા હતા અને તેઓ જીતથી માત્ર 55 રન જ દૂર છે.
પાકિસ્તાને ત્રીજા દિવસનો પ્રારંભ 21 રનથી કર્યો હતો અને ઈંગ્લેન્ડની 50 રનની સરસાઈનો અંત આણ્યા બાદ તરત જ ત્રણ વિકેટ ગુમાવી હતી.
શરૂઆતી ઝટકા બાદ કેપ્ટન બાબર આઝમ અને સઉદ શકીલે પાકિસ્તાનની ઈનિંગને સંભાળી લીધી અને ચોથી વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી. બાબરે આ મેચમાં પોતાની બીજી અડધી સદી ફટકારતાં 104 બોલમાં 7 ચોગ્ગા સાથે 54 રન કર્યા હતા, જ્યારે સઉદે 133 બોલમાં 6 ચોગ્ગા સાથે 53 રન કર્યા હતા. બંને બેટ્સમેનોની વિકેટ પર 35 ઓવર વિતાવ્યા બાદ પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં જણાતું હતું, પરંતુ રેહાન અહમદે ઇંગ્લેન્ડને મેચમાં વાપસી કરાવી હતી.
બાબર અને સઉદ બાદ રેહાને મોહમ્મદ રિઝવાન (07), આગા સલમાન (21) અને મોહમ્મદ વસીમ જુનિયર (02)ને પણ આઉટ કર્યા હતા. પાકિસ્તાન આખરી સાત વિકેટને બદલે માત્ર 52 રન જ ઉમેરી શક્યું હતુ અને 216 રનમાં આઉટ થઈ ગયું હતુ.
ઈંગ્લેન્ડ તરફથી ટાર્ગેટનો પીછો કરવા આવેલા ઝેક ક્રાઉલી અને બેન ડકેટે ટી-20 જેવી બેટીંગ કરતાં પાંચ ઓવરમાં 58 રન ફટકાર્યા હતા. ક્રાઉલીએ પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને ઈનિંગની શરુઆત કરી હતી, જ્યારે ડકેટે પણ ચોગ્ગો ફટકારી ખાતું ખોલાવ્યું હતુ અને બંનેએ પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી.
દિવસની રમત પુરી થાય તે પહેલા ક્રોલી (41) અને રેહાન (10) આઉટ થઈ ગયા હતા, જ્યારે ડકેટ (અણનમ 50) અને બેન સ્ટોક્સ (અણનમ 10) વિકેટ પર છે. ઈંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે અને તેઓ પાકિસ્તાન માટે ક્લિન સ્વિપથી માત્ર 55 રન જ દૂર છે.

Download Our B K News Today App



Related News