ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને આપ્યો પરાજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 13:35:40
  • Views : 496
  • Modified Date : 2019-05-31 13:35:40

વિશ્વકપ-2019ના ઉદ્ઘાટન મેચમાં યજમાન ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 311 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ડિ કોકે સૌથી વધુ 68 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે હાશિમ અમલા અને ડિ કોકે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ ઈનિંગની ચોથી ઓવરમાં જોફ્રા આર્ચરનો એક બોલ અમલાના હેલ્મેટ પર લાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને મેદાન છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ એડમ માર્કરામ (11)ને જોફ્રા આર્ચરે ડો રૂટના હાથે કેચ કરાવીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ જોફ્રાએ ફાફ ડુ પ્લેસિસ (5)ને આઉટ કરીને આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. ફાફ ડુ પ્લેસિસ આઉટ થયાં બાદ ડિ કોક અને વાન ડેર ડસને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક ઈનિંગની 23મી ઓવરમાં 68 રન બનાવી આઉટ થયો હતો. તેણે 74 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તે પ્લંકેટનો શિકાર બન્યો હતો. તો વાન ડેર ડસન 61 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. તેને જોફ્રા આર્ચરે મોઇન અલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ડ્યુમિની 8 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો હતો. તો ડેવાઇન પ્રિટોરિયસ 1 રન બનાવી રન આઉટ થયો હતો. 

Download Our B K News Today App



Related News