માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડવાની તક, 100થી વધુ સિક્સ મારનાર એકમાત્ર ભારતીય છે રોહિત શર્મા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:42:42
  • Views : 369
  • Modified Date : 2021-03-10 15:42:42

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી 5 T-20 મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણી ટીમ ઇન્ડિયાના ઓપનર અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માટે મહત્ત્વની સાબિત થઈ શકે છે. રોહિત આ શ્રેણી દરમિયાન T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેન બની શકે છે. અત્યારે તે બીજા સ્થાને છે અને ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ તેનાથી આગળ છે.રોહિતે અત્યાર સુધી 108 T-20માં 127 સિક્સ મારી છે. જ્યારે માર્ટિન ગુપ્ટિલે 99 મેચમાં 137 સિક્સ ફટકારી છે. ઇંગ્લેન્ડનો કપ્તાન ઓઇન મોર્ગન ત્રીજા સ્થાને છે. તેણે 97 મેચમાં 113 સિક્સ મારી છે. મોર્ગન પણ આ શ્રેણીમાં પોતાની સિકસીસમાં વધારો કરી શકે છે.

    આ બેટ્સમેનો સિવાય ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો (65 મેચમાં 107 સિક્સ), વિન્ડીઝના ક્રિસ ગેલે (61 મેચમાં 106 સિક્સ) અને ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચે (71 મેચોમાં 104 સિક્સ) મારી છે.ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીની છાપ સિક્સ હીટર તરીકેની નથી. તેમ છતાં તે T-20માં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય બેટ્સમેનની સૂચિમાં બીજા સ્થાને છે. વિરાટે 85 મેચમાં 81 સિક્સ મારી છે. વિરાટ આ શ્રેણીમાં સિક્સની સેન્ચુરી પૂરી કરી શકે છે. જોકે, તે માટે તેણે થોડી આક્રમક બેટિંગ કરવી પડશે.

    સિક્સ ફટકારવામાં ન્યૂઝીલેન્ડની ટીમ સૌથી આગળ છે. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ અત્યાર સુધીમાં 854 સિક્સ મારી છે. બીજા સ્થાને વેસ્ટ ઇન્ડિઝની ટીમ છે. કેરિબયન ટીમ તરફથી બેટ્સમેનોએ 836 સિક્સ મારી છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. તેમના બેટ્સમેનોએ 793 સિક્સ મારી છે. ટીમ ઇન્ડિયા ચોથા સ્થાને છે. ભારત તરફથી બેટ્સમેનોએ 726 મેક્સિમમ મારી છે. તે પછી પાકિસ્તાન (698 સિક્સ), ઇંગ્લેન્ડ (671 સિક્સ), સાઉથ આફ્રિકા (671 સિક્સ), અફઘાનિસ્તાન (516 સિક્સ) અને શ્રીલંકા (504 સિક્સ)એ 500થી વધુ સિક્સ મારી છે.

    T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ સિક્સ મારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્કના નામે છે. ક્લાર્કે 17 ફેબ્રુઆરી 2005ના રોજ દુનિયાની પ્રથમ T-20 ઇન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડના ડેરેલ ટફીના બોલ પર સિક્સ મારી હતી.સંયોગ જોવો કે T-20 મેચમાં પહેલા સિક્સ ફટકારવામાં આવી એ પછી એન્ડ્રુ સાયમન્ડ્સે T-20 ઇન્ટરનેશનલના ઇતિહાસની પ્રથમ ફોર મારી હતી. ભારત તરફથી પ્રથમ સિક્સ વિરેન્દ્ર સહેવાગે 1 ડિસેમ્બર 2006ના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ મારી હતી. સહેવાગે જ ભારત તરફથી પ્રથમ ફોર પણ મારી હતી.


Download Our B K News Today App



Related News