રાજકોટ સિવિલની ઘોર બેદરકારી, મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છતાં બીજા દિવસે પરિવારજનને ફોન આવ્યો કે ડેડબોડી લઈ જાઓ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 11:20:54
  • Views : 435
  • Modified Date : 2021-04-09 11:20:54

    કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી જાય છે. આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છતાં બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પરિવારજનને ફોન આવ્યો કે ડેડબોડી લઇ જાો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ જ રીતે જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી ડેડબોડી બીજાની આપી હતી. જોકે પરિવારને ફોટો બતાવતાં જ તેમણે કહ્યું કે આ વૃદ્ધા અમારાં નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસૂચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત. આમ, જ્યારે રાજકોટ શહેર કોવિડના સકંજામાં સપડાઈ રહ્યું છે ત્યારે રાજકોટ સિવિલના તંત્ર વાહકો જાણે ઘોર નિદ્રામાં પડ્યા હોય એવા સવાલો સામે આવી રહ્યા છે.

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા સૂકી - ખેતીવાડી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારીનો ગત 2 એપ્રિલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ બાદ તેઓ હોમ ક્વોરન્ટીન થયા હતા. બાદમાં 4 તારીખે ઓક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. તારીખ 8 એપ્રિલના તબિયત વધુ લથડતાં સવારે 5.45 વાગ્યે મૃત્યુ થયું હતું, એ બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે આ બાદ પરિવારજનોને અંતિમવિધિ માટે ફોન કરવામાં આવશે, એવું કહેવામાં આવ્યું હતું અને 8 એપ્રિલ એટલે કે ગઇકાલે બપોરના 11 વાગ્યે અંતિમવિધિ માટે મૃતદેહ પરિવારને અંતિમદર્શન કરાવી સોંપવામાં આવ્યો હતો. એ બાદ 80 ફૂટ રોડ પર આવેલા બાપુનગર સ્થિત સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

    આજે 24 કલાક થયા બાદ હોસ્પિટલમાંથી ફરી એક વખત અંતિમવિધિ માટે ફોન આવતાં તંત્ર સામે સવાલ ઊઠી રહ્યા છે. શું તંત્ર પાસે મૃતદેહ લઇ જવાયાનો કોઇ રેકોર્ડ નથી ? શું મૃતદેહની સંખ્યા સરકારી ચોપડે બતાવતા હોવા કરતાં વધુ હોવાથી સ્ટાફ પર કામનું ભારણ વધી જવાથી આમ થાય છે ?ગઈકાલે પણ આવો જ નિંદનીય બનાવ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બન્યો હતો, જ્યાં શ્વાસની તકલીફ ધરાવતા રાજીબેન મૈયાભાઇ વરૂને દાખલ કરવામાં આવ્યાં હતાં. ગઇકાલે આ જ પ્રકારે માજીના દીકરાને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા માજીનું નિધન થયું છે, આથી પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયાં હતાં. બાદમાં માજીનું ડેથ સર્ટિફિકેટ પણ આપ્યું અને પીપીઇ કિટમાં પેક ડેડબોડી લઇ જવા જણાવ્યું, પરંતુ પરિવારને ફોટો બતાવતાં જ તેમણે કહ્યું કે આ અમારાં માજી નથી. બાદમાં માજી જીવતાં નીકળતાં તેના દીકરા સાથે વીડિયો-કોલથી વાત પણ કરાવી. પરિવારે અંતિમસંસ્કાર માટેની પણ તૈયારી કરી લીધી હતી.

    આ અંગે ગઈકાલે મૃતકના ભત્રીજા વાલાભાઇ વરૂએ જણાવ્યું હતું કે મારાં કાકી રાજીબેન મૈયાભાઇ વરૂને શ્વાસની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલ કાલે લાવ્યાં હતાં, આથી હોસ્પિટલે મારા કાકીને કોવિડમાં એડમિટ કરી દીધાં. આજે ત્રણ વાગ્યે ફોન આવ્યો કે રાજીબેનનું મૃત્યુ થઇ ગયું છે, તેની ડેડબોડી લઇ જાઓ, આથી અમે બધા હોસ્પિટલે આવ્યા અને અમને ડેથ સર્ટિફિકેટ બતાવ્યું. પછી ફોટો દેખાડ્યો તો અમે કહ્યું કે આ અમારાં માજી નથી. અમે સ્વીકારવા રાજી નથી. પછી હોસ્પિટલ સ્ટાફે વીડિયો-કોલથી માજી દેખાડ્યાં તો અમે કહ્યું, આ અમારાં માજી છે. બાદમાં હોસ્પિટલે સ્વીકાર્યું કે જે કંઇ બન્યું એ અમારા સ્ટાફની ભૂલને કારણે બન્યું છે.

    વાલાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અમે ડેડબોડી સ્વીકાર્યા વગર નીકળી ગયા હતા. અમારાં માજી જીવે છે અને વીડિયો-કોલમાં વાત પણ કરી અમે. માજીએ કહ્યું કે બેટા, મને લઇ જા, મને કંઇ છે નહીં. અમારાં માજીનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. અમને મૃત્યુનો ફોન આવતાં જ અમે સગાં-વહાલાંને જાણ કરી દીધી હતી અને સ્મશાનમાં અંતિમવિધિની તૈયારી કરી દીધી હતી. ઘરે રોકકળ પણ થઇ હતી. મારું એટલું જ કહેવું છે આ અંગે તંત્રએ ધ્યાન દોરવું જોઇએ, જેથી ભવિષ્યમાં આવું બીજા સાથે ન થાય. હોસ્પિટલના સ્ટાફને તેની ભૂલની સજા મળવી જોઇએ. આવડી મોટી ભૂલ ન થવી જોઇએ.


Download Our B K News Today App



Related News