87 વર્ષમાં પહેલીવાર નહીં થાય રણજી ટ્રોફી : સૈયદ મુસ્તાક પછી વિજય હઝારે, મહિલા ટૂર્નામેન્ટ અને વીનૂ માંકડ ટ્રોફીની તૈયારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 12:35:35
  • Views : 313
  • Modified Date : 2021-01-30 12:35:35

    કોરોના પછી બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા (BCCI) ભારતમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં સફળ રહ્યું છે. હવે બોર્ડ વિજય હજારે, મહિલા વનડે ટૂર્નામેન્ટ અને વિનુ માંકડ અંડર -19 ટ્રોફીનું પણ આયોજન કરશે. બોર્ડ સેક્રેટરી જય શાહે રાજ્યના તમામ એસોસિયેશનને પત્ર લખીને આ માહિતી આપી છે. 87 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે કોઈ વર્ષે રણજી ટ્રોફીનું આયોજન નહીં થાય.

    તાજેતરમાં સચિવે તમામ સ્ટેટ એસોસિયેશનને પત્ર લખીને વિજય હજારે અને રણજી ટ્રોફીમાં એક ટૂર્નામેન્ટ યોજવા સૂચનો માગ્યા હતા. મોટાભાગના રાજ્યો વિજય હજારે ટૂર્નામેન્ટના સમર્થનમાં છે, કેમ કે તે વનડે ફોર્મેટમાં થાય છે. જ્યારે રણજી ટૂર્નામેન્ટ ટેસ્ટ ફોર્મેટમાં રમવામાં આવે છે.સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમનારા એક ક્રિકેટરે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, રણજીને બદલે વિજય હજારે ટૂર્નામેન્ટ આઈપીએલ પહેલા કરવામાં આવે તો સારું. તેમણે કહ્યું કે, આશા છે કે આઈપીએલની 14મી સીઝનની હરાજી પહેલા અમને કેટલીક વધુ મેચ રમવા માટે મળશે. આ ખેલાડીઓ, ખાસ કરીને યુવાનોને એક અથવા વધુ IPL ફ્રેન્ચાઇઝને પ્રભાવિત કરવાની તક આપશે.

    અહેવાલો અનુસાર, BCCIના સેક્રેટરી જય શાહે તમામ સ્ટેટ એસોસિયેશન રણજી અને વિજય હઝારે ટ્રોફીમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે કહ્યું હતું. આ અંતર્ગત મુંબઈ અને ઓડિશા ક્રિકેટ એસોસિએશને વિજય હજારેને સપોર્ટ કર્યો હતો. તે જ સમયે, આંધ્રપ્રદેશે રણજી ટ્રોફી કરાવવાની વાત કરી હતી.કોરોના વચ્ચે 10 જાન્યુઆરીથી સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટ રમાઇ રહી છે. તેની ફાઈનલ 31 જાન્યુઆરીએ તમિલનાડુ અને બરોડા વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ બાયો-સુરક્ષિત વાતાવરણમાં રમવામાં આવી રહી છે. તેની સફળતા પછી, BCCI હવે બીજી સ્થાનિક ટૂર્નામેન્ટ કરાવવા આગળ વધી રહ્યું છે.

    દેશમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ 4 ટેસ્ટ, 5 ટી 20 અને 3 વનડે મેચ રમશે. પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં રમાશે. ત્રણેય શ્રેણીની તમામ મેચ ચેન્નાઈ, અમદાવાદ અને પુણેમાં યોજાશે.



Download Our B K News Today App



Related News