એમએસ ધોની કે સુનીલ ગાવસ્કર કોઈના પણ ઇન્ફ્લુઅન્સમાં આવ્યા વગર 2.5 દાયકા સુધી પોતાની રીતે પિચ બનાવતા રહ્યા ધીરજ પરસાણા; મોટેરા ખાતેની છેલ્લી ટેસ્ટમાં પિચ તેમણે જ બનાવેલી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 13:36:44
  • Views : 371
  • Modified Date : 2021-02-24 13:36:44

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ આજે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. 1.32ની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમના ફીચર્સ વિશે તો બધા જાણે છે, પણ પિચ કેવી રીતે બીહેવ કરશે એ પ્રશ્ન ક્રિકેટ ફેન્સને પણ મૂંઝવી રહ્યો છે. જૂના સ્ટેડિયમમાં 12 ટેસ્ટ રમાઈ હતી, એમાંથી 6 ડ્રો રહી હતી. દિવ્ય ભાસ્કરે આ અંગે BCCIના પૂર્વ દિગ્ગજ પિચ-કયુરેટર ધીરજ પરસાણા સાથે વાત કરી તેમનો અભિપ્રાય જાણ્યો. ઉલ્લેખનીય છે કે મોટેરા ખાતે છેલ્લે જે ટેસ્ટ રમાઈ હતી એ મેચ માટેની પિચ ધીરજ પરસાણાએ જ બનાવી હતી.

    2012માં મોટેરા ખાતે રમાયેલી છેલ્લી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રેન્ક ટર્નરની ડિમાન્ડ કરી હતી. ધોનીએ ડાયરેક્ટલી નહિ, પરંતુ બીજા થ્રુ આ મેસેજ પરસાણા સુધી પહોંચાડ્યો હતો. પરસાણાએ કહ્યું હતું કે મને યાદ છે કે મને નરહરિ અમીનનો ફોન આવ્યો હતો કે ધોનીએ રેન્ક ટર્નર પિચની ડિમાન્ડ કરી છે. મેં કહ્યું, ઓકે, થઈ જશે. કયુરેટર તરીકે મારું માનવું છે કે પિચ એવી હોવી જોઈએ કે જેમાં બધા ડિપાર્ટમેન્ટ માટે કંઈક ને કંઈક હોય.

    73 વર્ષીય પરસાણાએ કહ્યું હતું કે "મોટેરા ખાતેની એ ટેસ્ટમાં એલિસ્ટર કુક અને ચેતેશ્વર પૂજારાએ ડબલ સેન્ચુરી મારી. ઝહીર ખાનને વિકેટ્સ મળી. સ્પિનર્સનેય વિકેટ મળી. આપણે અંતિમ દિવસે જીત્યા. એમ છતાં ધોનીની ફરિયાદ હતી કે બોલે ટર્ન થવામાં બહુ વાર લગાડી, જોકે હું મેચ પૂરેપૂરા દિવસ ચાલે એવી જ પિચ બનાવવામાં માનતો આવ્યો છું. મેચ જલદી પતી જાય તો પિચને ખરાબ રેટ કરાય છે અને પછી બધો બ્લેમ કોના પર થાય છે એ બધા જાણે છે." ઉલ્લેખનીય છે કે 2012માં ભારત મોટેરા ખાતે જીત્યું હતું અને એ પછી બાકીની ત્રણમાંથી 2 મેચ હારી શ્રેણી ગુમાવી હતી. ધોનીને જોઈએ એવી રેન્ક ટર્નર પિચો મળી ત્યારે ઇંગ્લિશ સ્પિનર્સ ગ્રેમ સ્વાન અને મોંટી પાનસરે બાજી મારી.

    ભારત માટે 2 ટેસ્ટ રમેલા પરસાણાએ કહ્યું હતું કે મેં મોટેરાની નવી પિચ જોઈ નથી. અહીં રેડ અને બ્લેક સોઈલ બંને અવેલેબલ છે. મારું માનવું છે કે રેડ સોઈલનો ઉપયોગ થશે. જેથી બોલ ટર્ન થાય અને બાઉન્સ પણ મળે. આપણે વિદેશમાં જઈએ તો આપણને ઘાસવાળી પિચ જ ઓફર કરવામાં આવે છે. રોહિત શર્માએ તાજેતરમાં હોમ એડવાન્ટેજ સંબંધિત કરેલી વાત એકદમ સાચી છે.

    પ્રસાણાએ કહ્યું હતું કે હું અને સુનીલ ગાવસ્કર ઘણાં વર્ષો સુધી સાથે અને એકબીજાની સામે રમ્યા. હું કયુરેટર બન્યો અને એ કમેન્ટેટર હતા ત્યારે મને મળે. હાય-હેલ્લો કરીએ, પણ મેચ વખતે ક્યારેય મને પૂછે નહીં કે પિચ કેવી હશે. ટર્ન થશે કે નહીં. પોતાની રીતે જજ કરીને ટીવી પર પિચ રિપોર્ટ આપે. એક વખત કોઈ મેચ દરમિયાન તેમણે મને કહ્યું હતું કે હું ઓન-એર કહીશ કે- ધિસ ઇઝ ઇન્ડિયન હાઇવે. મેં જવાબ આપ્યો- ઓકે. મારું કામ છે પિચ બનાવવાનું. એ પછી તમારી પર છે કે તમે કેમ જજ કરો અને બંને ટીમ કેવી રીતે એ પિચને એક્સપ્લોઈટ કરે. બીજા દિવસે ગાવસ્કરે કહ્યું, મેં ઓન-એર કીધું એ સાંભળ્યું? તો મેં જવાબ આપ્યો, નો આઈ એમ ઓન ગ્રાઉન્ડ. આઈ ડોન્ટ હેવ ટાઈમ.

    પરસાણાએ વધુમાં ઉમેર્યું કે 20 વર્ષના ક્રિકેટ કરિયર પછી મને ખબર હોય કે ભારતીય ટીમને જરૂર શું છે. મેં ક્યારેય કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને વિકેટ તૈયાર કરી નહોતી.પરસાણાએ જણાવ્યું હતું કે અત્યારે ઓકલેન્ડમાં જે પોર્ટેબલ પિચ બને છે એ ટીમ અહીં આપણા કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલી હતી. જગમોહન દાલમિયા ઇચ્છતા હતા કે આપણા આઉટફિલ્ડ પણ ત્યાં જેટલા ક્વિક હોય, એ ટીમ 8 વર્ષ સુધી દર વર્ષે 1 મહિનો અહીં આવી માટીથી લઈને ઘાસ સુધી અનેક વસ્તુઓ પર ડિટેલમાં સ્ટડી કરાવતા હતા.

    ધીરજ પરસાણા કરિયરના અંતિમ ફેઝમાં કાઉન્ટી રમતા હતા. ત્યાં અઠવાડિયા પછી બધાને સમજાયું કે ઇંગ્લિશ ભાષાથી તેમને મેસેજ કમ્યુનિકેટ કરવામાં તકલીફ પડી રહી છે, પણ ગોરાઓને ખરાબ પડી કે તેમનું ફાર્મિંગમાં બેકગ્રાઉન્ડ છે. તો તેમને રોલર ફેરવવાનું, માર્કિંગનું અને અન્ય કામ સોંપ્યું. તેમણે કહ્યું કે મેં સ્કોટલેન્ડમાં 3-4 વર્ષ ગ્રાઉન્ડ્સમેનને મદદ કરી. તેના એકસ્ટ્રા પૈસા મળતા હતા. હું સોમથી શુક્ર આ કામ કરતો અને પછી શનિ-રવિ રમતો હતો. એ બાદ ડરહામના ગોલ્ડન ક્રિકેટ કલબ સાથે જોડાયો હતો. ત્યાં મારી કયુરેટર તરીકેની જવાબદારી વધી. 1983માં પ્લેયર તરીકે નિવૃત્તિ લીધી, એ સમયમાં જ મોટેરા સ્ટેડિયમ બન્યું હતું. પોલી ઉનરીગરવાળી કમિટીએ પિચની જવાબદારી મને સોંપી અને પિચ- કયુરેટર તરીકે મારી જર્ની ફુલ ફ્લેજડ શરૂ થઈ.

    પરસાણાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 22.24ની એવરેજથી 320 વિકેટ લીધી હતી તેમજ 26.54ની એવરેજથી બેટિંગ કરતાં 2946 રન પણ કર્યા હતા. તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત બંને માટે રમ્યા હતા. તેઓ બંને તરફ બોલને સ્વિંગ કરાવી શકતા હતા અને જરૂર પડે તો લેફ્ટ-આર્મ ઓફ સ્પિન પણ નાખતા હતા. તેમણે 18 વર્ષના થયા પહેલાં જ ડેબ્યુ કર્યું હતું.

    ડરહામ કાઉન્ટી સાથેનો તેમનો અનુભવ પણ બહુ સારો રહ્યો હતો. 1982માં ટીમ ચેમ્પિયન બની હતી. તેમણે 25.88ની એવરેજથી 233 રન કર્યા હતા અને 17.66ની એવરેજથી 60 વિકેટ લીધી હતી. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના હોલ ઓફ ફેમમાં સ્થાન ધરાવે છે. 2018માં તેમણે પિચ-કયુરેટર તરીકે પણ નિવૃત્તિ લીધી.

Download Our B K News Today App



Related News