ભારત પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માટે સ્પિનનો સામનો કરવો સૌથી મોટો પડકાર છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 15:58:16
  • Views : 456
  • Modified Date : 2019-09-30 15:58:16

ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ 2 ઓક્ટોબરના રોજ ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમશે. ઘરઆંગણે સ્પિન ફ્રેન્ડલી પિચો પર ભારત જીતવા માટે ફેવરિટ છે. ગઈ વખતે 2015માં ભારતે દ. આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું. તે સીરિઝની આઠ ઇનિંગ્સમાં દ. આફ્રિકા માત્ર એક વાર 200 રનનો આંક વટાવી શક્યું હતું. તેમજ નાગપુર ખાતે તેઓ માત્ર 72 રનમાં ઓલઆઉટ થયા હતા. તેમના ઈન-ફોર્મ ઓપનર એડન માર્કરામે તાજેતરમાં બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે 161 રન ફટકાર્યા પછી કહ્યું હતું કે, "અમારી ટીમ ભારતમાં પિચ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરશે નહીં." ટીમ ફરિયાદ કરે કે ન કરે તેના કરતા મોટો પ્રશ્ન એ છે કે ટીમ સ્પિનર્સનો સામનો કઈ રીતે કરશે?દ આફ્રિકાના ફેબ ફોરની નિવૃત્તિ પછી ટીમમાં દમ નથી રહ્યો. દક્ષિણ આફ્રિકાની ટીમ 2007થી 2014 દરમિયાન આખા વિશ્વમાં ટ્રાવેલિંગ માટે જાણીતી હતી. તે દરમિયાન તેઓ વિદેશ પ્રવાસમાં એક પણ સીરિઝ હાર્યા ન હતા. હાશિમ અમલા, જેક કાલિસ, એબી ડિવિલિયર્સ અને ગ્રેમ સ્મિથની હાજરીથી તેમની બેટિંગ વર્લ્ડ ક્લાસ હતી. તે ચારેયની એશિયામાં એવરેજ અનુક્રમે 75.85, 66.77. 60.52 અને 59.57ની હતી. જોકે તેમની નિવૃત્તિ પછી પરિસ્થિતિ તદ્દન રીતે બદલાઈ ગઈ છે. અત્યારે ભારત આવેલી સ્ક્વોડમાં ડી બ્રૂયન એકમાત્ર બેટ્સમેન છે કે જેણે એશિયામાં 30થી વધુની એવરેજે રન કર્યા છે. તે અને ઓપનર ડિન એલગર માત્ર બે બેટ્સમેન છે કે જેમણે સબ કોન્ટિનેન્ટમાં સદી ફટકારી છે. તેવામાં રેન્ક ટર્નર (પહેલા દિવસથી ટર્ન થાય તેવી પિચ) પર રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનો આફ્રિકાની નવી પેઢીના બેટ્સમેન કઈ રીતે સામનો કરે છે તે જોવાનું રહેશે.તેમના કપ્તાન ફાફ ડુ પ્લેસીસે એશિયામાં 12 ટેસ્ટમાં 22.38ની એવરેજથી રન કર્યા છે. તે 19માંથી 16 વખત સ્પિનર્સનો શિકાર બન્યો છે. જયારે વિકેટકીપર કવિન્ટન ડી કોક 2015માં ભારતના પ્રવાસ આવ્યો ન હતો, પરંતુ લંકામાં તે સ્પિનમાં ઝઝૂમ્યો હતો. ડુ પ્લેસીસ 16માંથી 9 વાર ડાબોડી ઓફ સ્પિનર સામે આઉટ થયો છે, જયારે ડી કોક 6માંથી 5 વાર જમોડી ઓફ સ્પિનર સામે આઉટ થયો છે. ડુ પ્લેસીસ જાડેજા સામે 4 વાર આઉટ થયો છે અને તેની સામે માત્ર 4.25ની એવરેજથી બેટિંગ કરે છે. ડી કોક હજી સુધી અશ્વિન સામે રમ્યો નથી પરંતુ લંકામાં તેનો દેખાવ સાબિત કરે છે કે અશ્વિન સામે ક્રિઝ ઉપર ઉભું રહેવું તેના માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.અશ્વિન અને જાડેજા ફેક્ટર અશ્વિન અને જાડેજાએ એશિયામાં સાથે રમતી વખતે 28 ટેસ્ટમાં 315 વિકેટ ઝડપી છે. તે બંનેએ ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા 2 વર્ષમાં એકપણ વાર ઇનિંગ્સમાં 5 વિકેટ હોલ લીધી નથી. સ્પિન ટ્વીનનો પ્રોટિયાસ સામે દેખાવ સારો રહ્યો છે. ગઈ સીરિઝમાં તેમણે 70માંથી 54 વિકેટ લીધી હતી. બંને પોતાના કરિયરમાં મેજર માઈલસ્ટોનની નજીક પહોંચ્યા છે. અશ્વિન 350 વિકેટથી 8 શિકાર, જયારે જાડેજા 200 વિકેટથી 2 શિકાર દૂર છે. જો જાડેજા આ સીરિઝમાં 2 વિકેટ ઝડપે તો તે સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ડાબોડી સ્પિનર બનશે.અશ્વિને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 7 ટેસ્ટમાં 17.58ની એવરેજ અને 44.7ની સ્ટ્રાઇક રેટથી 38 વિકેટ લીધી છે. જ્યારે જાડેજાએ 5 ટેસ્ટમાં 13.90ની એવરેજ અને 42ની સ્ટ્રાઇક રેટથી 29 વિકેટ લીધી છે. ઘરઆંગણે મદદગાર પિચ, સારો દેખાવ કરવાની ભૂખ અને અનુભવ વગરની વિરોધી ટીમ સામે અશ્વિન અને જાડેજા છવાઈ જશે.

Download Our B K News Today App



Related News