ક્રિકેટ જગતે ગુમાવ્યા સૌથી બાહોશ ફાસ્ટ બોલર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 13:56:18
  • Views : 573
  • Modified Date : 2019-12-11 13:56:18

કોઈ ફાસ્ટ બોલરે ઇન્ટરનેશનલ કરિયર શરૂ કરી હોય અને ચોથા જ વર્ષમાં તેણે બન્ને ઘૂંટણમાં આૅપરેશન કરાવવા પડ્‌યા હોય વિચારો કે તેની કેવી હાલત થાય! તેને કરિયર સાથે હાથ ધોઈ નાખવાની જ ચિંતા થવા લાગે. જોકે, તે બોલરની કારકિર્દી મુસીબતમાં મુકાવાને બદલે વધુ ખીલી જાય અને તે સફળતાની એક પછી એક સીડી ચડતો જાય અને છેવટે ‘મહાન બોલર’ તરીકે ઓળખાવા લાગે તો તેના માટે એ ચમત્કાર જ કહેવાય, ખરુંને?

આપણે ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર બાબ વિલિસની વાત કરી રહ્યા છીએ. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ઇંગ્લૅન્ડના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર તરીકે ઓળખાતા વિલિસના નસીબમાં ખૂબ પીડા લખાઈ હતી. પહેલાં કરિયર દરમિયાન બન્ને ઘૂંટણની પીડા અને છેલ્લાં થોડા વર્ષોમાં થાઇરોઇડના કૅન્સરને કારણે ગળાની પીડા.

બુધવાર, ૪ ડિસેમ્બરે થાઇરોઇડના કૅન્સરની બીમારીને કારણે છેવટે ૭૦ વર્ષની વયે અવસાન પામેલા બાબ વિલિસ એક રીતે ઇંગ્લૅન્ડના સૌથી હિંમતવાન અને શૌર્યવાન ખેલાડી તરીકે ઓળખાતા હતા. ૧૯૭૫ની સાલમાં તેમણે બન્ને ઘૂંટણમાં સર્જરી કરાવવી પડી હતી. ત્યારે તેઓ ૨૬ વર્ષના હતા. જોકે, ત્યાર પછી તેઓ બીજા નવ વર્ષ એટલે કે ૩૫ વર્ષની ઉંમરના થયા ત્યાં સુધી રમતા રહ્યા હતા. એ તો ઠીક, કરિયરના એ છેલ્લા નવ વર્ષ દરમિયાન મેદાન પર તેમને બેમાંથી એક ઘૂંટણમાં દુખાવો ન થયો હોય એવું ભાગ્યે જ બન્યું હતું.વિચાર કરો કે આ ફાસ્ટ બોલરે બેઉ ઘૂંટણમાં આૅપરેશન કરાવ્યા પછી પણ ૧૦૦ કરતાં વધુ મૅચો રમી હતી અને એ મૅચો પહેલાં કલાકો સુધી પ્રૅક્ટિસ કરી હતી તો ત્યારે તેમણે કેટલી બધી પીડા સહન કરી હશે! એ દુખાવા છતાં તેમણે ગજબની આત્મશક્તિ જાળવી રાખી હતી અને (આૅપરેશનો બાદ) બીજી ૨૦૦ કરતાં પણ વધુ વિકેટો લીધી હતી. આખી કારકિર્દીમાં તેમણે ૯૦ ટેસ્ટમાં ૩૨૫ વિકેટ લીધી હતી. કરિયરના એ કઠિન સમયકાળ (છેલ્લા ૯ વર્ષ) દરમિયાન એક તબક્કો એવો હતો જેમાં તેમણે રમવા માટેની શક્તિ કેળવવા રોજના પાંચ માઇલ (આશરે ૮ કિલોમીટરથી પણ વધુ) દોડવું પડતું હતું.તેઓ ૧૯૭૫થી ૧૯૮૪ દરમિયાન પ્રત્યેક મૅચ જાણે એવી રીતે રમ્યા હતા કે એ તેમની છેલ્લી મૅચ હોય. કારણ એ હતું કે ઘૂંટણનો દુખાવો તેમને વારંવાર દગો દઈ જતો હતો. એ ૯ વર્ષ દરમિયાન તેમણે ઘૂંટણની પીડાને લીધે થોડી મૅચો ગુમાવવી પડી હતી અને છેવટે જુલાઈ ૧૯૮૪માં હેડિંગ્લીમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચ તેમની કારકિર્દી માટે ‘મરણતોલ’ નીવડી હતી. એ ટેસ્ટમાં કુલ ૧૬૩ રનમાં તેમને ફક્ત બે વિકેટ મળી હતી. અગાઉ ક્યારેય કોઈ ટેસ્ટમાં તેમની બોલિંગમાં ૧૬૩ રન કે એનાથી વધુ રન નહોતાબન્યા. ક્લાઇવ લાઇડના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝે એ ટેસ્ટ જીતીને પાંચ મૅચની સિરીઝમાં ૩-૦ની વિજયી સરસાઈ હાંસલ કરી લીધી હતી. જોકે, વિલિસની એ આખરી ટેસ્ટ બની હતી. તેમની વન-ડે કારકિર્દી પર આગલા મહિને જ (જૂન ૧૯૮૪) પડદો પડી ગયો હતો. હેડિંગ્લી ટેસ્ટના સૌથી ખરાબ દેખાવ (૧૬૩ રનમાં બે વિકેટ)ને કારણે તેમણે કરિયર સમેટી લેવાનું છેવટે નક્કી કરી લીધું હતું.વિધિની વક્રતા તો જુઓ! બાબ વિલિસનો સૌથી સારો ટેસ્ટ-પર્ફોર્મન્સ હેડિંગ્લીમાં લીડ્‌સના મેદાન પર હતો (૧૯૮૧માં આૅસ્ટ્રેલિયા સામે ઍશિઝમાં મૅચ-વિનિંગ ૪૩ રનમાં ૮ વિકેટ) અને એ જ સ્થળે તેઓ કરિયરની આખરી આંતરરાષ્ટ્રીય મૅચ (૧૯૮૪માં વેસ્ટ ઇન્ડિઝ સામે) રમ્યા હતા. ૮ વિકેટવાળા એ પર્ફોર્મન્સવાળી મૅચ ૧૯૮૧ની ૧૬મી જુલાઇએ શરૂ થઈ હતી અને ૧૯૮૪ની ૧૬મી જુલાઈએ એ જ સ્થળે તેઓ અંતિમ મૅચ રમ્યા હતા. બીજો યોગ એ છે કે ૧૯૯૩માં તેમણે એ જ સ્થળે રમીને વન-ડે કારકિર્દી શરૂ કરી હતી.સાડાછ ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવતા બાબ વિલિસ તેમના સમયના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરો (માઇકલ હોલ્ડિંગ, માલ્કમ માર્શલ, ઍન્ડી રોબટ્‌ર્સ, જોએલ ગાર્નર, જેફ થામસન, ડેનિસ લિલી, કપિલ દેવ, રિચર્ડ હેડલી વગેરે)માં ગણાતા હતા. વિલિસની બોલિંગમાં ગજબની આક્રમકતા અને સંકલ્પશક્તિની ઝાંખી થતી હતી. તેમના બાલમાં પેસ અને સ્વિંગ તો હતા જ, તેમની લાઇન ઍન્ડ લેન્ગ્થ પણ ગજબની હતી. બાલમાં વરાઇટી લાવીને ભલભલા બૅટ્‌સમેનોને તેઓ નમાવવામાં સફળ થતા હતા.વિલિસની એક ઓવરમાં સંદીપ પાટીલે ૬ ફોર ફટકારી હતી!૧૯૮૨માંભારતના આક્રમક બૅટ્‌સમૅન સંદીપ પાટીલે વિલિસની બોલિંગ-ઍનેલિસિસ બગાડી નાખી હતી. જૂન, ૧૯૮૨ની આ વાત છે. મૅન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડે ઇયાન બાથમના ૧૨૮ રન અને જ્યાફ મિલરના ૯૮ રનની મદદથી ૪૨૫ રન કર્યા એના જવાબમાં ભારતીય બૅટ્‌સમેનોએ ઓપનિંગની અને પછી મિડલની નબળી શરૂઆત કરી હતી. જોકે, સાતમા ક્રમે રમવા આવેલા સંદીપ પાટીલે બે સિક્સર અને અઢાર ફોરની મદદથી અણનમ ૧૨૯ રન બનાવીને ભારતને સન્માનજનક સ્કોર (૩૭૯/૮) અપાવ્યો હતો. એ ટેસ્ટ તો ડ્રામાં ગઈ હતી, પરંતુ ડ્રા થતાં પહેલાં પાટીલે એ સમયના ઇંગ્લૅન્ડના નંબર-વન ફાસ્ટ બોલર બાબ વિલિસની એક ઓવરમાં ૬ ફોર (૪, ૪, ૪, ૦, ૪, ૪, ૪) ફટકારીને સનસનાટી મચાવી દીધીહતી. એ ઓવરની મધ્યમાં નો-બાલ પડ્‌યો હતો. પછીના જ વર્ષે (જૂન, ૧૯૮૩માં) ઇંગ્લૅન્ડમાં કપિલ દેવના સુકાનમાં ભારતીય ટીમ ઐતિહાસિક વન-ડે વર્લ્ડ કપ જીતી હતી. 


Download Our B K News Today App



Related News