ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ટેસ્ટ મેચમાં 26 રનથી હરાવ્યું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-13 18:19:47
  • Views : 172
  • Modified Date : 2022-12-13 18:19:47

સઉદ શકીલ (94)ની લડાયક અડધી સદી છતાં ઈંગ્લેન્ડે સોમવારે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 26 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે.
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 355 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાન ટેસ્ટના ચોથા દિવસે 328 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આ પહેલા તેઓએ 2000માં નાસિર હુસૈનની કેપ્ટનશિપમાં યજમાન ટીમને 1-0થી હરાવી હતી.
શકીલે ચોથા દિવસની શરૂઆત 54 રનના સ્કોરથી કરી હતી, જ્યારે પાકિસ્તાન જીતથી 157 રન પાછળ હતું. ફહીમ અશરફ (10) આઉટ થયા બાદ શકીલે મોહમ્મદ નવાઝ સાથે 80 રનની ભાગીદારી કરી હતી. શકીલે 213 બોલમાં 8 ચોગ્ગા સાથે 94, નવાઝે 62 બોલમાં 7 ચોગ્ગા સાથે 45 રન કર્યા હતા.
આ શકિલ-નવાઝની ભાગીદારી પાકિસ્તાનને જીત તરફ દોરી રહી હતી, પરંતુ માર્ક વુડે લંચ પહેલા બંને બેટ્સમેનોને આઉટ કરીને ઇંગ્લેન્ડને ફરી મેચમાં લાવી દીધું હતું.
17 વર્ષીય અબરાર અહેમદે ચાર ચોગ્ગા સાથે પાકિસ્તાનને થોડી આશા અપાવી હતી, જોકે તે મોટો ફાળો આપ્યા વિના જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો.
અબરારના આઉટ થયા બાદ પાકિસ્તાનને જીતવા માટે 45 રનની જરુર હતી, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ જીતથી માત્ર બે વિકેટ દૂર હતી. આગા સલમાન (અણનમ 20)એ કેટલાક સારા શોટ રમ્યા હતા પરંતુ છેલ્લા બે બેટ્સમેન શૂન્ય પર આઉટ થતાં પાકિસ્તાનનો 26 રને પરાજય થયો હતો.
ઈંગ્લેન્ડ માટે માર્ક વુડે બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. ઓલી રોબિન્સન અને એન્ડરસને બે-બે જ્યારે જેક લીચ અને જો રૂટે એક-એક વિકેટ ઝડપી હતી.
અગાઉ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 79 રનની સરસાઈ મેળવી હતી અને ત્યાર બાદ બીજી ઈનિંગમાં 275 રન ફટકાર્યા હતા. હેરી બ્રુકે આ શ્રેણીમાં બીજી સદી ફટકારતાં 149 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 108 રન ફટકાર્યા હતા, જ્યારે કેપ્ટન બૅન સ્ટોક્સે 41 રનનું યોગદાન આપ્યું હતુ.

Download Our B K News Today App



Related News