બુમરાહ સહિત તમામે ફિટનેસ ટેસ્ટ આપવો જ પડશે : ગાંગુલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-21 18:23:20
  • Views : 475
  • Modified Date : 2019-12-21 18:23:20

બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ખેલાડીઓની ફિટનેસની સમીક્ષા નહીં કરાય તેવી રાહુલ દ્રવિડના વડપણ હેઠળની એનસીએ ઇચ્છા ધરાવે છે તેવી અટકળો વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે જસપ્રિત બુમરાહ સહિતના તમામ ભારતીય ક્રિકેટરની ફિટનેસનો ટેસ્ટ નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે જ થશે.ગુજરાતી બોલર જસપ્રિત બુમરાહ પીઠના ફ્રેક્ચરને કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે પરંતુ તેણે તાજેતરમાં જ વિશાખાપટનમ ખાતે ભારતીય ટીમની સાથે નેટ પ્રેક્ટિસ કરી હતી. જોકે તે હજી વન-ડે રમવા માટે ફિટ જાહેર થયો નથી.સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે એનસીએમાં મુદ્દો શું છે તેની મને જાણ નથી પરંતુ ભારતના દરેક ખેલાડીએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરત ફરવું પડશે અને ત્યાં જ તેની ફિટનેસની ચકાસણી થશે. જોકે આ માટે સાનુકૂળ વ્યવસ્થાની અમે ખાતરી કરાવીશું.રાહુલ દ્રવિડે એનસીએમાં ફિટનેસ ટેસ્ટ અંગેની જસપ્રિત બુમરાહની વિનંતીને ફગાવી દીધી હોવાના અહેવાલ સામે સૌરવ ગાંગુલીએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.  એમ પણ મનાય છે કે જસપ્રિત બુમરાહ એનસીએના ટ્રેનર પાસે પોતાની ઇજા બાદ રિહેબ માટે જવાને બદલે ખાનગી એકેડમીમાં ગયો હતો જેને કારણે રાહુલ દ્રવિડે અકળામણ વ્યક્ત કરી હતી. આઇસીસીના ક્રમાંકમાં વન-ડેમાં મોખરાનો ક્રમ ધરાવતો 26 વર્ષીય જસપ્રિત બુમરાહએ ઈજા બાદ રિકવરી માટે આઇપીએલની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના ટ્રેનર રજનીકાન્ત શિવાગણનમની મદદ લીધી હતી.ગાંગુલીએ ખાતરી આપી હતી કે ઇન્ટરનેશનલ ક્રિકેટર માટે નેશનલ ક્રિકેટ એકેડમી પ્રથમ અને આખરી મુકામ છે. દરેક ભારતીય ક્રિકેટરને અહીં સ્થાન છે અને દરેકે ત્યાંથી જ ફિટનેસ પસાર કરવાની હોય છે.ગાંગુલીએ ઉમેર્યું હતું કે તેઓ વિવિધ સ્થળે ક્રિકેટ રમતા હોય છે. અમે એવો પ્રયાસ કરીશું કે એનસીએનો ફિઝિયો મુંબઈ જઈને બુમરાહને મદદ કરે. અમે એનસીએ મારફતે મોનિટરિંગ કરતા રહીશું. અમે એમ પણ ખાતરી કરાવીશું કે એનસીએમાં ઉચ્ચ કક્ષાના નિષ્ણાતો હોય. સૌરવ ગાંગુલીએ તાજેતરમાં જ નેશનલ ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી અને ત્યાંના ક્રિકેટ વડાનો હોદ્દો ધરાવતા રાહુલ દ્રવિડ સાથે મસલત પણ કરી હતી. ગાંગુલીએ જણાવ્યું હતું કે અમને રાહુલ પાસેથી ઘણી અપેક્ષા છે. તેની સાથે રહીને તમે એક ક્રિકેટર તરીકે વધુ પરફેક્ટ બનો છો અને તમારામાં પ્રતિબદ્ધતા આવે છે. એનસીએ વધુ વ્યવસ્થિત બને તે માટે અમે દ્રવિડને ચાર્જ સોંપ્યો છે. ખરેખર તો અમે તેની જવાબદારી વધારી દીધી છે.

Download Our B K News Today App



Related News