લોકોને જાળમાં ફસાવવા બંટી-બબલી ગાડી-બાઇક 30 ટકા ઓછા ભાવે આપતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-19 17:07:59
  • Views : 53
  • Modified Date : 2025-12-19 17:07:59

અજય મિશ્રાની તપાસમાં કારનામા ખૂલ્યા, ભોગ બનનારની પૂછપરછ ચાલુ

અમદાવાદ

ફાઇનાન્સ કંપનીના મેનેજરને ધંધામાં રોકાણના બહાને એક કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર બંટી-બબલી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંટી અજય મિશ્રાને ઝડપી લીધો છે અને તેની પૂછપરછમાં નવા નવા કારનામા ખૂલી રહ્યા છે. અજય તેની પત્ની સુમન સાથે કોઈની પણ સાથે મીટિંગ કરે ત્યારે પોતાની કોઈ ઓટોમોબાઇલ કંપની સાથે સીધી ઓળખાણ હોવાનું કહી બાઇક કે કાર બજાર કિંમત કરતાં 30 ટકા ઓછા ભાવે અપાવવાની વાત કરતો હતો. પોતાના રૂપિયા કાઢીને સસ્તી બાઇક અને કાર અપાવતો હતો. ત્યારબાદ જેને કાર કે બાઇક અપાવી હોય તેના ગ્રૂપને ટાર્ગેટ કરતા હતા. તેણે બાળકોને ભણાવવા માટે ફીના નામે પણ લોકો પાસેથી મદદ માગી લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી.

મૂળ ઉત્તરપ્રદેશના અજય મિશ્રા અને તેની પત્ની સુમન મિશ્રા વસ્ત્રાલ રિંગ રોડ સ્થિત પ્રયોશા પેરેડાઇઝમાં રહેતા હતા. તેઓ અત્યંત લેવિશ લાઇફસ્ટાઇલ જીવતા હોવાનો સતત ડોળ કરતા. તેઓ હંમેશા જેનું ગ્રૂપ મોટું હોય તેવા વેપારીઓને ટાર્ગેટ કરતા, પછી તેને પોતાની ખૂબ જ મોટી ઓળખાણ હોવાનું કહી સીધી ઓટોમોબાઇલ કંપનીમાંથી બાઇક છોડાવવાનું કહી એક લાખની બાઇક 70 હજારમાં આપતો અને 17 લાખની કાર 10 લાખમાં આપતો હતો. આ રૂપિયાની ખોટ પોતે જ ખાતો હતો, પરંતુ સામે વાળાને પોતાની ઓળખાણ હોવાનું કહી આંજી દેતો હતો. તેણે ફાઇનાન્સ કંપનીના મેનેજર ભાવેશ મોદીને પણ વિશ્વાસમાં લઈને 1 કરોડનો ચૂનો લગાવ્યો હતો. જોકે આ ફરિયાદને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકે અને વિજયસિંહ ગોહિલે અજયને ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં તેણે પોતાના બાળકોને ડોક્ટરી ભણાવવા માટે પણ લોકો પાસેથી ફીના નામે રૂપિયા પડાવ્યા હતા. તેણે સંખ્યાબંધ લોકોને ચૂનો લગાવ્યો હોવાની પણ કબૂલાત કરી હતી. આ પ્રકરણની તપાસમાં હજી ઘણી વિગતો સામે આવશે તેમ પોલીસ જણાવી રહી છે. આ બંટી-બબલી વિરુદ્ધ ચેક રિટર્નની 24 ફરિયાદો થઈ હોવાનું અને 2 ફરિયાદોમાં સજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News