અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-19 13:37:45
  • Views : 162
  • Modified Date : 2026-03-19 13:37:45

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગત મોડી રાતે અમરાઈવાડી વિસ્તારમાંથી કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. આ સાથે જ સુરતની એક મહિલા સહિત 6 શખસની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી પકડાયેલી રૂ. 2.90 કરોડની નકલી ચલણી નોટોની ગણતરી કરતા પોલીસને છ કલાકનો સમય લાગ્યો હતો. આ પૈકી અમદાવાદથી રૂ. 2.10 કરોડ અને રૂ. 80 લાખની ચલણી નોટો સુરતથી પકડાઈ હતી. આ નોટોની ગણતરી પૂરી થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે વિધિવત ફરિયાદ નોંધી હતી. મહત્ત્વનું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે નકલી નોટના નેટવર્કને ઝડપ્યું છે. આ તમામ આરોપી સુરતનું હોવાનું જણાતા સુરત ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરાઈ હતી.  

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયનના જણાવ્યાનુસાર, આ આરોપી ચીનથી હાઈ ક્વૉલિટી પેપર લાવીને નકલી ચલણી નોટો બનાવતા. આ તમામ નોટોનો ઉપયોગ તેઓ જમીન સોદામાં વટાવતા. આ માટે તેઓ આંગડિયાનો પણ ઉપયોગ કરતા. આ પહેલા પણ આરોપીઓ અમદાવાદમાં ત્રણથી ચાર નાણાકીય વ્યવહાર કરી ચૂક્યા છે, જે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આ નોટો ત્યાં સુધી નથી પકડી શકાતી, જ્યાં સુધી બેંકના ટેબલ પર તેનું સ્કેનિંગ ના થાય. 

મળતી માહિતી અુસાર,, બાતમીના આધારે અમદાવાદમાં સુરતથી આવતી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરવામાં આવી હતી. જેમાંથી 2.90 કરોડની નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ કેસમાં સુરતની એક મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

 

Download Our B K News Today App



Related News