ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-19 14:57:40
  • Views : 110
  • Modified Date : 2026-02-19 14:57:40

અમદાવાદ શહેરમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગ વધુ સક્રિય થઈ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટોકરન્સીમાં ઓછું રોકાણ કરી વધુ વળતર મેળવવાની લાલચ એટલી મોંઘી પડી કે તેણે પોતાની પરસેવાની કમાણીના 5.56 લાખ રૂપિયા સાયબર ઠગોને હવાલે કરી દીધા છે.

મળતી માહિતી અનુસાર, ઘાટલોડિયામાં રહેતા 34 વર્ષીય શક્તિસિંહ ઠાકોર સાથે થયેલી આ છેતરપિંડીની શરૂઆત એક ઈન્ટરનેશનલ વોટ્સએપ નંબરથી થઈ હતી.  9-8-2025ના રોજ 'માયા શર્મા' નામની યુવતીએ શક્તિસિંહનો સંપર્ક કરી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની લિંક મોકલી હતી. યુવકે શરૂઆતમાં લિંક ઓપન કરી 9,500 રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઠગોએ બનાવેલી ફેક એપ્લિકેશનમાં શક્તિસિંહના રોકાણ સામે ડોલરમાં મોટો નફો બતાવવામાં આવતો હતો, જેનાથી લલચાઈને યુવકે અલગ-અલગ બેન્ક ખાતામાં કુલ 5,56,350 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.

જ્યારે શક્તિસિંહે પોતાનો નફો વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ નવો પેંતરો રચ્યો. જેમાં તેમને કહેવામાં આવ્યું કે, તમારા ખાતામાં 12 લાખ રૂપિયા જમા થઈ ગયા છે, પરંતુ આ રકમ ઉપાડવા માટે તમારે વધારાના 5,29,526 રૂપિયા ટેક્સ પેટે ભરવા પડશે. આ સાંભળતા જ શક્તિસિંહને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો અને તેમણે વધુ નાણાં ભરવાને બદલે પોલીસનો સંપર્ક કર્યો હતો.

ભોગ બનનાર યુવકે આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને જે બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News