કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા : કોંગ્રેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-19 16:53:52
  • Views : 167
  • Modified Date : 2025-12-19 16:53:52

કેન્દ્ર સરકારે સંસદમાં 1 એપ્રિલ, 25થી 3 ડિસે.2025 સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો શૂન્ય બતાવી

અમદાવાદ

ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાનની વિગતો કેન્દ્ર સરકારને જણાવી નથી કે શું? તેવો સવાલ કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં રજૂ કરેલી વિગતોમાં ૧-૪-૨૦૨૫થી ૩-૧૨-૨૦૨૫ સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો શૂન્ય બતાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીને કારણે ગુજરાતના ખેડૂતોને કેન્દ્રીય સ્તરની વધારાની સહાય મળવાની તક પણ ગુમાવી દીધી છે. 

કોંગ્રેસના મીડિયા સેલના કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે, સંસદમાં રજૂ થયેલા તથા વાસ્તવિક આંકડાઓથી ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિ વધુ એક વખત ખુલ્લી પડી છે. ગુજરાતમાં ભારે કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકનો વ્યાપક નાશ થયો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હતું. દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવા વર્ષની શરૂઆતથી ખેડૂતો ચોમાસુ પાકની લણણી શરૂ કરે છે, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. 

ભાજપ સરકારની નીતિઓને કારણે ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી ગુજરાતના ખેડૂતો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાયા છે. વર્ષ ૨૦૨૨માં ખેતીની આવક બમણી કરવાની વાતો કરનાર મોદી સરકારમાં ખેતીનો ખર્ચ બમણો થયો અને આવેક અડધી થઈ ગઈ હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, ગુજરાતના ૫૬ લાખ ખેડૂતો પર આશરે ૧.૬૨ લાખ કરોડ જેટલું દેવું છે. બીજી બાજુ ભાજપ સરકારના અત્યાચારી નિર્ણયોને કારણે ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) વર્ષ ૨૦૨૦થી બહાર નીકળી ગયા છે. જેના કારણે એકેય ખેડૂતને વીમાનો લાભ મળ્યો નથી અને એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં ખેડૂતોને ફસલ વીમા યોજનાનો લાભ મળે છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતોને આ યોજનાથી વંચિત રખાયાહોવાનું તેમણે ઉમેર્યું છે.

Download Our B K News Today App



Related News