ફ્લાવર શોનો આજથી પ્રારંભ થશે : બે વિશ્વવિક્રમ માટે દાવો કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-01 16:54:24
  • Views : 69
  • Modified Date : 2026-01-01 16:54:24

ભારત એક ગાથા થીમ આધારિત ફ્લાવર શોમાં ૩૦ મીટરનું ફ્લાવર મંડલ અને સરદાર પટેલનું ફૂલ ચિત્ર સહિતનાં આકર્ષણો

, અમદાવાદ

 શહેરીજનો જ નહિ ગુજરાતભરનાં ફૂલછોડ પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે તેવા ઇન્ટરનેશનલ ફ્લાવર શોને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોમાં બે વિશ્વવિક્રમ સર્જે તેવા ફ્લાવર મંડલ અને સરદાર પટેલનુ મોટુ ફૂલ ચિત્ર સહિતનાં આકર્ષણો રંગ જમાવવાનાં છે.

મેયર પ્રતિભાબેન જૈન તથા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ભારત એક ગાથા થીમ આધારિત ૧૪માં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો ૧લી જાન્યુઆરીથી શુભારંભ થશે અને લોકલાગણીને માન આપીને ૨૨ જાન્યુઆરી સુધી ચાલુ રાખવામાં આવનાર છે. જેમાં ભારતનાં પૌરાણિક વારસાથી લઇને આધુનિક ભારતની સિદ્ધિઓ ફૂલોનાં માધ્યમથી રજૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટનાં ફ્લાવર ગાર્ડન તથા ઇવેન્ટ સેન્ટરમાં યોજાનારા ફ્લાવર શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે સ્ત્રી સશક્તિકરણ થીમ આધારિત સ્કલ્પ્ચરનુ અનાવરણ કરવામાં આવશે.

કમિશનરે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, રિવરફ્રન્ટમાં યોજાતાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં દર વર્ષે વિશ્વ વિક્રમ સર્જાય તેવા સ્ક્લ્પ્ચર બનાવવામાં આવે છે. આ વર્ષે ૩૦ મીટર વ્યાસનુ ભવ્ય ફૂલ મંડલ તથા સરદાર પટેલનુ ફૂલચિત્ર રજૂ કરવામાં આવશે, તેના માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં દાવો કરવામાં આવશે. ફ્લાવર શોનાં પ્રવેશદ્વાર ખાતે ફૂલથી બનાવેલાં બે વિશાળ સિંહ ભારતની હિંમત,ગૌરવ અને અડગ આત્માનુ પ્રતિક બની મુલાકાતીઓનુ સ્વાગત કરશે. પ્રવેશ ઝોનમાં કમળનાં ફાઉન્ટેન થકી પ્રદર્શનનાં થીમને અનુરૂપ ગૌરવસભર વાતાવરણ સર્જવામાં આવશે.

ફ્લાવર શોમાં ભારતનાં વિવિધ ઉત્સવોને દર્શાવતો વિશેષ ઝોન તૈયાર કરવામા આવ્યો છે. તેમજ બાળકો માટેનાં અલગ ઝોનમાં ફુલોથી બનાવેલાં કાર્ટુન કેરેક્ટર દરેકને ગમશે તેમ મેયરે જણાવ્યું હતું. ભારતની પૌરાણિક ગાથાને રજૂ કરતો શાશ્વત ભારત ઝોનમાં સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા સ્કલ્પ્ચર થકી નવી પેઢીને ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી માહિતી આપતાં મેયરે કહ્યું કે, ભારતીય ઉત્સવોની જેમ ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યો સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપો ફૂલોની મદદથી સાકાર કરાયા છે. કમિશનરે કહ્યું કે, ફ્લાવર શોમાં ફૂલછોડને પાણી છાંટવુ પડે તેના માટે અગાઉની જેમ ટ્રેકટર ટ્રોલી કે પાઇપ લગાવવાથી મુલાકાતીઓને હેરાનગતિ થતી હોવાથી આ વખતે દરેક ફૂલછોડને આધુનિક સ્પ્રિંક્લર પધ્ધતિથી પાણી છાંટવામાં આવી રહ્યું છે. 

 

Download Our B K News Today App



Related News