નારોલમાં અંગત અદાવતમાં ડબલ મર્ડર કરનાર આરોપીના જામીન અરજી કોર્ટે ફગાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-19 16:57:23
  • Views : 64
  • Modified Date : 2025-12-19 16:57:23

ગુનાની ગંભીરતા અને પુરાવાઓને જોતા જામીન આપવા ન્યાયોચિત જણાતું નથીઃ કોર્ટ

અમદાવાદ

નારોલ વિસ્તારમાં ગત ઓગસ્ટ માસમાં બનેલી ડબલ મર્ડરની સનસનીખેજ ઘટનામાં મુખ્ય આરોપી પૈકીના એક એવા અભિષેક ઉર્ફે ટકલા રાજપૂતની જામીન અરજી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ પી.બી. પટેલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે, આરોપી સામે હત્યા જેવી ગંભીર બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર ગુનો જણાય છે અને તેની સક્રિય ભૂમિકા છે. આ ગુનાની ગંભીરતા અને પુરાવાઓને જોતા જામીન આપવા ન્યાયોચિત જણાતું નથી.  

ડબલ મર્ડર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આરોપી અભિષેક ઉર્ફે ટકલા રાજપૂતે જામીન માટે અરજી કરી હતી જેમાં તેના એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, તે સપ્ટેમ્બર મહિનાથી જેલમાં છે અને તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે. બચાવ પક્ષે એવો પણ દાવો કર્યો હતો કે આરોપીનો કોઈને મારી નાખવાનો ઈરાદો નહોતો અને તેણે શરીરના કોઈ મહત્વના ભાગ પર ઈજા કરી નથી. વધુમાં, તે અમદાવાદનો કાયમી રહેવાસી છે અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, તેથી તેને જામીન મળવા જોઈએ. જો કે, જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, ગત ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રવિવારની રાત્રે નારોલ વિસ્તારમાં ઝઘડો થયો હતો. જેમાં ફરિયાદીના કાકાના દીકરા સત્યમને શંકા હતી કે કોમલકુમારી આદિત્ય નામના છોકરા સાથે વાતચીત કરે છે. સત્યમે આદિત્યને આ બાબતે ઠપકો આપતા, આદિત્યનું ઉપરાણું લઈને આરોપીઓ વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપૂત, સાહિલ યાદવ અને બિપિન ઉર્ફે સત્યવાન યાદવ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં હાજર સત્યમ પર આરોપી અભિષેક રાજપૂતે તેની પાસે રહેલી છરી વડે જમણા પડખાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જ્યારે ફરિયાદી અને તેમના કાકા નીરજકુમાર વચ્ચે પડ્યા, ત્યારે અન્ય આરોપીઓએ પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ નીરજકુમાર અને સત્યમનું સારવાર દરમિયાન ૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મોત નીપજ્યું હતું. આ ડબલ મર્ડરનો ગંભીર કેસ છે જેમાં આરોપીએ સક્રિય ભૂમિકા ભજવી છે. આરોપી પાસેથી હથિયાર પણ મળી આવી છે. ત્યારે જામીન રદ કરવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન રદ કરી દીધા છે.

Download Our B K News Today App



Related News