ઈન્દોર જેવું કાંડ ન થાય એટલે અમદાવાદમાં 300 કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જૂની લાઈનો બદલાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-09 15:57:55
  • Views : 52
  • Modified Date : 2026-01-09 15:57:55

અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઈંદોરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મીટિંગના દોર શરુ થઈ ગયા છે. રોગચાળા માટે 26 હોટસ્પોટ એરીયા જાહેર કરાયા છે. 

ગોમતીપુર,બહેરામપુરા અને દાણીલીમડા સહિતના અનેક એવા વિસ્તાર છે કે જયાં કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની લાઈન પસાર થાય છે તે વિસ્તારમા લાઈન બદલવા મકાનો તોડવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરુ કરવામા આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ,પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રુપિયા 300 કરોડનો ખર્ચ થશે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોઈડ સહિતના રોગના કેસ વધ્યા છે. જેને કારણે કોર્પોરેશનના હેલ્થ અને ઈજનેર  વિભાગ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. આગામી સમયમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આ પહેલા શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ વકરે નહીં એ માટે મ્યુનિસિપલ કમિશનરની સાથે શાસક ભાજપના હોદ્દેદારો પણ કામે લાગી ગયા છે. 

જે વિસ્તારોમાં લોકોને પ્રદૂષિત પાણી મળે છે એ વિસ્તારના લોકોને જયાં સુધી પ્રદૂષણની સમસ્યા હલ ના થાય ત્યાં સુધી ટેન્કરથી પાણી પુરુ પાડવા પાછળ પણ કોર્પોરેશન લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. થોડા સમય પછી ફરી જે સ્થળે પાણીમા પોલ્યુશન આવવાની સમસ્યા અગાઉ થઈ હોય ત્યાંના લોકોની ફરિયાદ તંત્રને મળે છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે,પાણીના પોલ્યુશનની સમસ્યાના કાયમી નિકાલ માટે વર્ષો જુની લાઈનના સ્થાને નવી લાઈન  નાંખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. વિવિધ વિસ્તારમાં આવેલા વેજીટેબલ માર્કેટ અને ખાણી-પીણી બજારમાંથી સડેલા બટાકા સહિતના અન્ય શાકભાજીના જથ્થાનો નાશ કરવાથી લઈ તમામ સ્થળે સાફ સફાઈ રાખવા તમામ વિભાગને તાકીદ કરવામા આવી છે.

વર્ષો જુના મકાન તોડવા રહીશો સંમતિ આપશે કે કેમ?

પૂર્વ અને દક્ષિણ અમદાવાદના વિસ્તારમાં ચાલીઓમા રહેતા લોકો મોટાભાગે ગરીબ અને શ્રમિક વર્ગના છે. 30 કે 40 વર્ષથી જે ચાલીઓમાં લોકો રહે છે. એવા લોકોના મકાન નીચેથી પસાર થતી કોર્પોરેશનની પાણી અને ડ્રેનેજની લાઈન વર્ષો પછી બદલવા તેમના મકાન તોડવા તેઓ  સંમતિ આપશે કે કેમ? 

 

Download Our B K News Today App



Related News