FRCએ અમદાવાદ ઝોનની 5780 સ્કૂલની ફી આખરે વેબસાઇટ પર મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-29 16:02:49
  • Views : 74
  • Modified Date : 2025-12-29 16:02:49

હવે વાલીઓ જાતે ફી જોઇને નક્કી કરી શકશે

અમદાવાદ 

રાજ્યની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા સ્વનિર્ભર સ્કૂલોની ફી નક્કી કરી દેવામાં આવી છે. કેટલીક સ્કૂલો ફી નક્કી થયા પછી પણ વાલીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવતી હોય છે. આ પ્રકારની ગેરરીતિ રોકવા માટે અમદાવાદ ઝોન દ્વારા કુલ 5780 સ્કૂલોની ફી વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે. જેના કારણે હવે વાલીઓ વેબસાઇટ પર રહેલી ફીનો અભ્યાસ કરીને કોઇ સ્કૂલ વધારે ફી ઉઘરાવતી હોય તો ફરિયાદ કરી શકશે. 

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલી ફી કરતાં કોઇપણ સ્કૂલ વધારે ફી વાલીઓ પાસેથી વસુલી શકતી નથી. અગાઉ કેટલીક સ્કૂલો ટર્મ ફી અને એડમિશન ફીના નામે અલગથી રૂપિયા ઉઘરાવતી હતી. જોકે, હવે ફી કમિટી દ્વારા ઓર્ડરમાં અલગથી કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાના કારણે જે ફી જાહેર કરાઈ છે તેના કરતાં કોઇપણ પ્રકારની ફી વધારે ઉઘરાવી શકશે નહીં. 

મહત્વની વાત એ કે, ફી કમિટી દ્વારા હાલમાં અમદાવાદ ઝોનની કુલ 5780 સ્કૂલોની ફી જાહેર કરીને વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરની 2310 અને અમદાવાદ ગ્રામ્યની 394 સ્કૂલોનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ કે, ફી કમિટી દ્વારા ફી જાહેર થયા પછી પણ કેટલીક સ્કૂલો વાલીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવતી હોવાની અનેક ફરિયાદો તાજેતરમાં ડીઇઓ કચેરી સુધી પહોંચી હતી. જેમાં કેટલીક સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પણ પડી હતી. ફી કમિટી દ્વારા દરેક સ્કૂલોને ફીની વિગતો જે તે સ્કૂલની નોટિસ બોર્ડ પર મૂકવાની સૂચના આપવામાં આવી હોવા છતાં મોટાભાગની સ્કૂલો તેનું પાલન કરતી નથી. જેના કારણે હવે ફી કમિટી દ્વારા તમામ સ્કૂલોની ફીની વિગતો વેબસાઇટ પર જાહેર કરી દેવાઈ છે. કોઇ સ્કૂલ ફી વિગતો નોટિસ બોર્ડ પર ન મૂકે તો પણ હવે વાલીઓ ફી કમિટીની વેબસાઇટ પર જઇને કઇ સ્કૂલની કેટલી ફી છે તેની વિગતો મેળવીને કોઇ સ્કૂલ વધારે ફી વસૂલ કરતી હોય તો તેની સામે ડીઇઓ કે  શિક્ષણ વિભાગના અન્ય પ્લેટફોર્મ પર સત્તાવાર ફરિયાદ પણ કરી શકશે.

અમદાવાદ ઝોનમાં કયા જિલ્લાની કેટલી સ્કૂલોની ફી વેબસાઇટ પર મૂકવામાં આવી

ફી કમિટી દ્વારા હાલમાં અમદાવાદ શહેર 2310, ગ્રામ્ય 394, અરવલ્લીની 181, બનાસકાંઠા 677, બોટાદ 147, ગાંધીનગર 569, મહેસાણા 388, પાટણ 197, સાબરકાંઠા 315 અને કચ્છની 602 મળઈને કુલ 5780 સ્કૂલોનો સમાવેશ થાય છે.

 

Download Our B K News Today App



Related News