કોંગ્રેસની જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને રાજનીતિ કરવાનું ષડયંત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-23 16:14:59
  • Views : 120
  • Modified Date : 2025-12-23 16:14:59

કેન્દ્ર સરકારમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ, નવી યોજના પ્રત્યે ઉદાસીનતા હોવાથી કોંગ્રેસની યોજનાનાં નામ બદલીને રાજનીતિ કરી

અમદાવાદ 

૨૦૧૪ ચૂંટણી પહેલા મોટી મોટી ગેમ ચેન્જર(બદલાવ)ની વાતો કરતી કેન્દ્રની મોદી સરકાર અગાઉ કોંગ્રેસના શાસનમાં શરૂ કરેલી ૩૦થી વધુ યોજનાઓના નામ બદલીને રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

કેન્દ્ર સરકારમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ, નવી યોજના પ્રત્યે ઉદાસીનતા હોવાથી કોંગ્રેસની યોજનાઓના નામ બદલતી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું છે કે, ૨૦૧૪ની ચૂંટણી પહેલા મોટી-મોટી ‘ગેમ ચેન્જર’ની વાતો કરતી મોદી સરકાર હવે ‘નેમ ચેન્જર’ તરીકેની હકીકતમાં પરિવર્તિત થઈ ગઈ છે. છેલ્લા ૧૧ વર્ષમાં મોદી સરકારની આ માનસિકતા સ્પષ્ટપણે ઉજાગર થઈ છે, જેમાં તેઓ કોંગ્રેસ શાસન દરમિયાન શરૂ કરાયેલી જનતાલક્ષી યોજનાનાં નામ બદલીને પોતાનો શ્રેય લેવાના પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા સામાજિક ન્યાય, દેશના કલ્યાણ અને ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ શરૂ કરી છે, જે લાંબા ગાળાની પ્રગતિ માટે માઈલસ્ટોન સાબિત થઈ છે અને દેશના નાગરિકોને વ્યાપક લાભ આપી રહી છે. જોકે, ભાજપા સરકારમાં દીર્ઘદૃષ્ટિનો અભાવ અને નવી યોજનાઓ પ્રત્યે ઉદાસીન વલણને કારણે તેઓ કોંગ્રેસની યોજનાઓના નામ બદલીને માત્ર રાજનીતિ કરી રહ્યા છે. કોંગ્રેસ શાસનમાં શરૂ થયેલી ૩૦થી વધુ જનતાલક્ષી યોજનાઓના નામ બદલીને મોદી સરકારે પોતાને ‘નેમ ચેન્જર’ તરીકેની સિદ્ધિ મેળવી છે.  

તાજેતરમાં ડિસેમ્બર ૨૦૨૪માં મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)નું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ)’ કરવા માટેનું બિલ મંજૂર કર્યું છે. આ ૨૦૧૪ પછીની લાંબી શ્રેણીમાં સમાવિષ્ટ છે, જેમાં ૩૦થી વધુ કલ્યાણકારી કાર્યક્રમોના નામ બદલાયા છે. કોંગ્રેસે ૧૯૭૫થી ૨૦૧૩ વચ્ચે શરૂ કરેલી ૩૨ યોજનાનાં નામોને પણ આ રીતે બદલી નાખવામાં આવ્યા છે. મોદી સરકારની આ ‘નેમ ચેન્જર’ નીતિને કારણે યોજનાઓના નામ બદલવા અને તેની જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચાશે, જેમાં અંદાજે ૫૦૦૦ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી એટલે કે પ્રજાના પૈસામાંથી વેડફાશે. 

Download Our B K News Today App



Related News