એરપોર્ટ પર પ્લેન માટે જોખમ સર્જતી લેસર લાઇટના 2 વર્ષમાં 27 બનાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-19 16:58:56
  • Views : 60
  • Modified Date : 2025-12-19 16:58:56

ડીજેની લાઈટને કારણે પણ પાઈલટને અવરોધ સર્જાઈ શકે

ગાંધીનગર 

 આકાશમાં ઉડતા પ્લેનના જીપીએસ સિગ્નલ સાથે ચેડાંથી લઇને ટેકનીકલ ખામીઓ સર્જાવાની અનેક ગંભીર ઘટનાઓ તાજેતરમાં બહાર આવી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા બે વર્ષમાં 27 વખત લેસર લાઇટ પ્લેન ઉપર નાખીને હસ્તક્ષેપ કરાયો હોવાનું નોંધાયું છે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ પ્લેન ઉપર લેસર લાઇટ નાખવાના બનાવ નોંધાયા છે. જેના કારણે વિમાનની સુરક્ષા ઉપર ખતરો થઇ શકે છે. 

અમદાવાદ સહિત સમગ્ર દેશમાં એરપોર્ટ ખાતે લેન્ડીંગ કે ટેક ઓફ કરતી ફ્લાઇટ ઉપર લેસર લાઇટ નાખવાના 2021ના વર્ષથી 2025 સુધી છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1101 જેટલા બનાવ નોંધાયા છે. નવાઇની વાત એ છે કે તેમાંથી 1082 છેલ્લા બે વર્ષમાં જ નોંધાયા છે. 2024માં 548 અને 2025માં 534 બનાવ નોંધાયા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ફ્લાઇટ ઉપર લેસર લાઇટ નાખવાના 2024માં 10 અને 2025માં 17 બનાવ નોંધાયા છે. વડોદરા એરપોર્ટ ઉપર છેલ્લા બે વર્ષમાં કુલ 3 ઘટના અને સુરત એરપોર્ટ ખાતે છેલ્લા બે વર્ષમાં કુલ 10 લેસર લાઇટ નાખવાની ઘટના નોંધાઇ છે. કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લોકસભામાં અપાયેલી માહિતી મુજબ હવાઇ મથકોની આસપાસના વિસ્તારોમાં લેસર લાઇટ સહિતની કૃત્રિમ રોશનીથી વિમાનની સુરક્ષા સામે ખતરો સર્જાઇ શકે છે કે નેવિગેશન કે જોવામાં અવરોધ ઉભો કરી શકે છે. લેસર લાઇટના કારણે જોખમી પ્રભાવ ઉભો થઇ શકે છે. હવાઇ મથકોની આસપાસ લેસર લાઇટ જેવી ગતિવિધિને નિયંત્રિત કરવા માટે સ્થાનિક એરપોર્ટના મેન્યુઅલમાં પણ તે બાબતનો સમાવેશ કરવામાં આવે છે. એરક્રાફ્ટ રૂલ્સમાં પણ લેસર લાઇટ કે ફોલ્સ લાઇટનો સમાવેશ કરીને તેના ખતરનાક પ્રભાવોથી હવાઇ ઉડ્ડયનના રક્ષણ માટેની  બાબત નિર્ધારીત કરવામાં આવી છે. 

ડીજેની લાઈટને કારણે પણ પાઈલટને પ્લેન ચલાવવામાં અવરોધ ઊભો થઈ શક્યાની ઘટના નોંધાયેલી છે. દેશના તમામ હવાઇ મથકોમાં સૌથી વધુ લેસર લાઇટ નાખવાની ઘટના દિલ્હી ખાતે બે વર્ષમાં 218 ઘટના સાથે નોંધાઇ છે. 

Download Our B K News Today App



Related News