રાજનીતિમાં ઠાકોર? વિક્રમ ઠાકોર ભાજપમાં ભળશે કે કોંગ્રેસને ફળશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-16 16:21:11
  • Views : 63
  • Modified Date : 2025-03-16 16:21:11

વિક્રમ ઠાકોરે રાજનીતિમાં આવવાનો સ્પષ્ટ ઇન્કાર નહી કરીને ફરી એકવાર ગણગણાટને હવા આપી દીધી છે. તેઓ હાલ રાજકારણમાં નહી આવું તેવું કહેતા ભવિષ્યે કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે રાજનીતિક પંડિતો વચ્ચે ગણગણાટ શરૂ થઇ ગયો છે.


વિક્રમ ઠાકોર હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. તેઓએ હાલમાં જ વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મામલે અન્યાય થઇ રહ્યો હોવાની વાત કરીને વિવાદોનો મધપુડો છંછેડી દીધો છે. જેના પગલે ઠાકોર સમાજમાં તો રોષ જ છે પરંતુ સરકાર પણ ખાસીયાણી પડી છે. જો કે વિક્રમ ઠાકોરે પોતે કરેલા એકરાર અનુસાર અન્યાય લાંબા સમયથી થઇ રહ્યો હતો પરંતુ તેઓ ચુપ હતા. ત્યારે અચાનક કેમ તેમના રોષનો ઉકળતો ચરુ ફાટી ગયો તે અંગે નિષ્ણાંતો અલગ અલગ મંતવ્યો રજુ કરી રહ્યા છે.


રાજનીતિમાં આવશે વિક્રમ ઠાકોર?


વિક્રમ ઠાકોરને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતનો ખેસ દર્શાવતા તેમણે જણાવ્યું કે, મારા ગળામાં રહેલો ખેસ ન તો ભાજપનો છે ન તો કોંગ્રેસનો આ રામાપીરનો ખેસ છે. મારે રાજનીતિમાં આવવું હોત તો 2006-07 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મને આમંત્રણ આપ્યું હતું. જો કે હું રાજનીતિનો માણસ નથી હું કલાકાર છું અને હાલ ઠાકોર સમાજને થયેલા અન્યાય મામલે જ હું વિરોધમાં ઉતર્યો છું. મારો વિરોધ પણ સરકાર સામે નહી પરંતુ ખાસ લોકોને જ આમંત્રીત કરતી, એવોર્ડ આપતી અને તેમને જ કલાકાર ગણતી એજન્સીઓ સામે છે.


કોંગ્રેસ વિક્રમ ઠાકોર પર ખેલી રહી છે મોટો દાવ?


જો કે વિક્રમ ઠાકોરને નજીકથી જાણતા કેટલાક રાજકીય નિષ્ણાંતોનો દાવો છે કે, જે પ્રકારે તેઓ અત્યાર સુધી અન્યાય થઇ રહ્યો હતો તો ચુપ હતા અને હવે અચાનક કેમ તેઓ બહાર આવ્યા તે ટાઇમિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ગુજરાતની મુલાકાત લીધી છે. તેમણે હવે જુના નહી પરંતુ યુવા અને દમદાર ચહેરાઓ પર દાવ લગાવવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું છે. બીજી તરફ વિક્રમ ઠાકોરના મામલે જે પ્રકારે કોંગ્રેસ સક્રિય છે અને તેના નેતાઓ એક પછી એક નિવેદનો આપી રહ્યા છે તેને જોતા તેઓ રાજનીતિમાં આવે તો નવાઇ નહી.



ઉત્તર ગુજરાત અને ઠાકોર સમાજમાં મજબુત પકડ


ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની મજબુત પકડ છે. ઉત્તર ગુજરાતની જ 8 વિધાનસભા તો એવી છે જ્યાં ઠાકોર મત જ જીત-હાર નક્કી કરે છે. તેવામાં ગેનીબેન ઠાકોર કેન્દ્રીય સ્તરે જતા ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો કોઇ મજબુત ચહેરો કોંગ્રેસમાં જોડાય તે ખુબ જ જરૂરી છે. ત્યારે વિક્રમ ઠાકોર ન માત્ર ઉત્તર ગુજરાતના છે પરંતુ ઠાકોર સમાજમાં ખુબ જ ખ્યાતી પણ ધરાવે છે. તેઓ જોડાય તો તેવી સ્થિતિમાં કોંગ્રેસને ઠાકોર મતનો સ્પષ્ટ જનાધાર મળે તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં વિક્રમ ઠાકોરનાં નામની જાહેરાત થાય તો નવાઇ નહી.


વાવના વેક્યુમને ભરવા માટે વધુ એક ઠાકોર ચહેરા પર દાવ


વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના જે પ્રકારે પરિણામો આવ્યા તે જોતા કોંગ્રેસને લાગ્યું કે, ઠાકોર મત કોંગ્રેસના ગુલાબસિંહને મળવાના બદલે ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળ્યા હતા. ખુબ જ રસાકસીભરી અને રસપ્રદ રહેલી આ ચૂંટણીમાં છેક સુધી કોંગ્રેસ આગળ રહ્યું પરંતુ અંતિમ રાઉન્ડની ગણત્રીમાં 2442 મતથી ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હતા. જેથી ગુજરાતમાં પહેલાથી જ નબળી રહેલી કોંગ્રેસ હવે પોતાની ઠાકોર વોટબેંક પણ જાય તેવું ઇચ્છતી નથી. જેના કારણે કોંગ્રેસ વિક્રમ ઠાકોર પર આગામી વિધાનસભામાં દાવ અજમાવીને ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા અને તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠાની 9 અને સાબરકાંઠાની 4 વિધાનસભા બેઠકો અંકે કરવા માંગતી હોય તો નવાઇ નહી.



ભાજપ પાસે પણ મજબુત ઠાકોર ચહેરાનો અભાવ


બીજી તરફ ભાજપ પાસે પણ કોઇ મજબુત ઠાકોર ચહેરો નથી. અલ્પેશ ઠાકોર એક સમયના મજબુત નેતા હતા પરંતુ તેઓ ભાજપ સાથે જોડાતા તેમનો દબદબો ઘટ્યો છે. બીજી તરફ વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ખુબ જ લો પ્રોફાઇલ રહેવા માટે જાણીતા છે. તેવામાં ઠાકોર સમાજનો કોઇ મજબુત ચહેરો કોંગ્રેસને મળે તો વર્ષોથી કોંગ્રેસના જ પ્રોમિસિંગ વોટર રહેલ ઠાકોર સમાજ ફરી એકવાર કોંગ્રેસ તરફ વળે તો નવાઇ નહી. જો કે વિક્રમ ઠાકોરે મોદી સાહેબે મને ભાજપમાં જોડાવાં કહેલું તેમ કહીને ભાજપ તરફની બારી પણ ખુલ્લી રાખી છે



કોણ છે વિક્રમ ઠાકોર?


ગાંધીનગરના મેલાજી ઠાકોર નામના લોકગાયક અને વાંસળી વાદકનો પુત્ર વિક્રમ ઠાકોરે 20 વર્ષની ઉંમરે ગાયકી પર હાથ અમજાવ્યો. ગળથુંથીમાંથી જ મળેલી ગાયકીથી તે થોડા જ સમયમાં ઉત્તર ગુજરાતમાં સારુ એવું નામ મેળવ્યું. જો કે 2006 માં દિગદર્શકના આગ્રહના કારણે તેમણે એકવાર પીયુને મળવા આવજે નામની ફિલ્મમાં હાથ અજમાવ્યો. આ ફિલ્મ સફળ રહેતા વિક્રમ ઠાકોરે પાછળ વળીને જોયું જ નથી. ગાયક-અભિનેતા સહિત કળાના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો. ઉત્તર ગુજરાત, ગુજરાત-રાજસ્થાન બોર્ડર અને આદિવાસી વિસ્તારોમાં તેમના લાખો ચાહકો છે. માધ્યમોએ તેમને સુપર સ્ટારનું પણ બિરુદ આપ્યું છે.

Download Our B K News Today App



Related News