ટ્રોલીબેગના હેન્ડલમા સોનું છુપાવીને દાણચોરી : અમદાવાદ એરપોર્ટથી પ્રવાસી ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-14 18:00:15
  • Views : 36
  • Modified Date : 2025-02-14 18:00:15

અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે દેશનું અવ્વલ નંબરનું એરપોર્ટ બની રહ્યું છે. શારજાહથી આવતા મુસાફર પાસેથી કસ્ટમ્સની ટીમે 35 લાખનું 399.460 ગ્રામ 24 કેરેટ સોનું ઝડપી લીધું છે.

શારજાહથી આવતા મુસાફરે ટ્રોલીબેગના હેન્ડલની પાઈપમાં અને નોન સ્ટીક તવાના હેન્ડલમાં સોનાના તાર છૂપાવીને દાણચોરીનો પ્રયાસ કર્યો હતો. ઝડપાયેલો યુવક ઉત્તર પ્રદેશના શાહજહાપુરનો છે.

કસ્ટમ્સની ટીમે સોનું કબજે લઇ વધુ તપાસ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી દેશભરના દાણચોરોની સિન્ડિકેટ ફરી એકવાર એક્ટિવ થઈ છે.

ભારત સરકારે બજેટમાં સોના પરની ડડ્યૂડી ઘટાડી દેતાં સોનાની દાણચોરી લગભગ બંધ થઈ ગઈ હતી. ત્યારે જ સોનાના ભાવમાં અસાધારણ વધારાને લઈને ફરીથી દાણચોરી શરૂ થઇ ગઇ છે. ખાસ કરીને અખાતી દેશોમાંથી દાણચોરો પોતાના પેડલર મારફતે સોનું લાવતા હોય છે.

દાણચોરી વધતા કસ્ટમ્સ અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીઓની વોચ વધી છે. ત્યારે જ ગુરુવારે શારજાહથી આવેલી ફ્લાઇટમાં એક મુસાફર દાણચોરીના સોના સાથે આવ્યો હોવાની વિગતો કસ્ટમ્સની ટીમને મળી હતી. જેને પગલે અધિકારીઓએ ચોક્કસ મુસાફરને જુદો તારવી તેની પૂછપરછ કરી હતી.

જોકે, તેણે પોતાની પાસે કોઇ વાંધાજનક વસ્તુ નહીં હોવાનું કહ્યું હતું. અધિકારીઓ પાસે પાક્કી બાતમી હોવાથી અધિકારીઓએ તેની તલાશી લેતા તેની ટ્રોલીબેગના હેન્ડલમાં છૂપાવાયેલા સોનાના તાર મળી આવ્યા હતા. જ્યારે તેના સામાનમાંથી મળી આવેલા નોનસ્ટીક તવાના હેન્ડલમાં પણ સોનાના તાર છૂપાવ્યા હતા.

Download Our B K News Today App



Related News