યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-19 13:41:05
  • Views : 77
  • Modified Date : 2026-03-19 13:41:05

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ચૂક્યો છે, જેના કારણે વિશ્વભરમાં ગંભીર ઈંધણ સંકટ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં રશિયાએ ભારતની મધ્યસ્થી સ્વીકારવા અપીલ કરી છે.

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાખારોવાએ જણાવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા અકારણ હુમલાને કારણે સર્જાયેલા આ સંકટને રોકવા માટે ભારત જેવી પ્રભાવશાળી શક્તિ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતે પણ શરૂઆતથી જ આ યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવા પર ભાર મૂક્યો છે.

આ યુદ્ધની આર્થિક અસરો હવે સીધી રીતે જોવા મળી રહી છે. ઈઝરાયલી સેનાએ બુધવારે ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ 'સાઉથ પાર્સ' પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને કુદરતી ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. કાચા તેલની કિંમત 6.3% વધીને 109.95 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જ્યારે યુરોપમાં ગેસના ભાવમાં 9.3%ની તેજી જોવા મળી છે. આ અગાઉ ઈરાનના તેલ ભંડાર ધરાવતા ખાર્ગ દ્વીપને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.

ભારત માટે આ સંઘર્ષ ચિંતાનો વિષય છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું લગભગ 88% ક્રૂડ ઓઇલ અને 60% એલપીજી આયાત કરે છે. ખાસ કરીને સ્ટ્રેટ ઑફ હોર્મુઝની નાકાબંધી થવાથી અખાતી દેશોમાંથી થતો પુરવઠો ખોરવાયો છે. જોકે, ભારતે રશિયા પાસેથી તેલ મંગાવીને આ ઘટની આંશિક ભરપાઈ કરી છે.

 

Download Our B K News Today App



Related News