ઘટનાના બે દિવસ વીતી ગયા છતાં પણ આરોપી પોલીસ પકડથી દૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:11:52
  • Views : 453
  • Modified Date : 2023-03-04 17:11:52

અમદાવાદના સોલામાં હિટ એન્ડ રનની ઘટનાના બે દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસ હજુ પણ સત્યમ શર્માને શોધી શકી નથી. અકસ્માતની ઘટનાને બે દિવસ વીતી ગયા છે, છતાં પોલીસ આંધળી ખિસ્કોલી રમી રહી હોય એવું લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આરોપીને પકડવા માટે દસથી વધુ કડી હોવા છતાંય આરોપી હાજર થાય તેની પોલીસ રાહ જોઈ રહી છે. આ આરોપી ધનાઢય પરિવારમાંથી આવતો હોવાથી પોલીસ તેને ન પકડી રહી હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ ઈજાગ્રસ્ત દંપતિ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.

અમદાવાદ પોલીસ હાઈટેક હોવાના બણગા ફૂંકે છે. પરંતુ અમદાવાદ પોલીસ એક આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે. બે દિવસ છતાં હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, 'સત્યમ શર્માનો ફોન બંધ થઈ જતાં તેનું લોકેશન મળતું નથી. ટ્રાફિક અને સોલા પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે.'

બીજી તરફ ઈજાગ્રસ્ત દંપતિએ ન્યાયની માંગ કરી છે. ઈજાગ્રસ્ત મહિલા કહ્યું હતું કે, અમે અમારા દીકરા માટે પિચકારી લેવા નીકળા હતા, ત્યારે એક કારે અમને અડફેટે લીધા હતા. કારની સ્પીડ 170થી 180 હતી. મારા પતિના પગ પર ગાડીનું ટાયર ચડી ગયું હતું. ગાડી એક યુવક ચલાવી રહ્યો હતો અને બહુ સ્પીડમાં આવી રહી હતી. ગાડી ડિવાઇડ પર ચડાવીને મેદાન તરફ વાળી અને અકસ્માત થયો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ત્યાં હાજર લોકો કારચાલકને પકડવા પાછળ પણ દોડ્યા પરંતુ તે હાથ લાગ્યો નહોતો. 

તેઓએ જણાવ્યું કે, મને ઘૂંટણ નીચેનો બોલ ખસી ગયો છે. જેથી ડોક્ટરે મને ત્રણ મહિના બેડ રેસ્ટ આપ્યો છે. જ્યારે મારા પતિને એન્કલમાં ફ્રેકચર થયું છે.  ડોક્ટરે તેમને દોઢ મહિના આરામ કરવા જણાવ્યું છે. આ કારચાલકના કારણે અમારું આખું ઘર વિખેરાઈ ગયું છે.  અકસ્માત થવાના કારણે માનસિક રીતે પડી ભાગ્યા છીએ. અમારા બાળકો પણ નાના છે, જેથી એમની સંભાળ રાખવી મોટો પડકાર છે. ભગવાનની કૃપાથી અમે બચી ગયા પણ જો કંઈક થઈ મોટું થયું હોત તો બધું તહેસ - નહસ થઈ ગયું હોત. 

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ નજીક એક બીએમડબલ્યુ કારના ચાલકે બેફામ ડાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો. જોકે, ઘટના સ્થળના દોઢ કિલોમીટર આગળ કાર પણ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.  આ ઘટનામાં બીએમડબલ્યુ કારચાલકે રસ્તે જતા 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જે બાદમાં કારચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ તરફ પોલીસ તપાસમાં કારમાંથી દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો હતો.  

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના મામલે એન ડિવિઝન એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, રાતે 10 વાગ્યે અમે કેસ નોધ્યો હતો, બીએમડબલ્યુ કાર ફૂલ ઝડપે જતી હતી. આ દરમિયાન અમિત ભાઈ અને તેમના પત્નીને ઇજા થઈ છે. આ સાથે ગાડીમાંથી દારૂની બોટલ મળી હતી, જેનો અલગ કેસ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. પોલીસે કહ્યું હતું કે, સત્યમ શર્મા નામનો યુવક કાર ચલાવતો હતો, કાર સત્યમ શર્માના પિતાના નામે રજીસ્ટર્ડ છે. સત્યમ શર્મા સોશિયલ મીડિયામાં પૂર ઝડપે કાર ચલાવી વીડિયો અપલોડ કર્યો હતો. આ સાથે પોલીસે કહ્યું હતું કે, તે વીડિયોના આધારે પણ અલગ કેસ નોધાવામાં આવશે

Download Our B K News Today App



Related News