બોગસ ડોક્યુમેન્ટથી એક, બે નહીં 10,000 લોકોને મોકલ્યા વિદેશ

  • Published By :
  • Published Date : 2022-09-19 16:59:01
  • Views : 398
  • Modified Date : 2022-09-19 16:59:01

સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સૂર્યપ્રકાશ કોષ્ટી અને તેનો પુત્ર અભિષેક કોષ્ટી છે. જે છેલ્લાં ૨૨ વર્ષથી બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ આચરી રહ્યા છે. બેન્ક સ્ટેટમેન્ટ, અધિકારીઓના લેટરપેડ, રબરસ્ટેમ્પ સહિતના બોગસ ડોક્યુમેન્ટ પોલીસને બીજી ટાવરમાંથી મળી આવ્યા છે. આજકાલ વિદેશમાં જવાનો ક્રેઝ યુવાઓમાં વધી રહ્યો છે પરંતુ પૂરતા ડોક્યુમેન્ટ અને આઇટી રિટર્ન અને બેન્ક સ્ટેટમેન્ટ નહીં હોવાના કારણે લોકોનાં વિદેશ જવાનાં સપનાં અધૂરાં રહી જાય છે. કોષ્ટી એન્ડ કંપનીએ વર્ષ ૨૦૦૦ની સાલથી બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અંદાજે દસ હજાર કરતાં વધુ યુવાનોને વિદેશમાં મોકલવામાં મદદ કરી છે.  વિદેશમાં જવાનું ઇચ્છતા યુવાઓના બોગસ ડોક્યુમેન્ટ બનાવતી ટોળકીનો પર્દાફાશ થોડા દિવસ પહેલાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે કર્યો હતો. એસઓજીની ટીમે કરેલા ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે કોષ્ટી એન્ડ કંપની વર્ષ ૨૦૦૦ની સાલથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી રહી છે અને જેના આધારે ૧૦ હજારથી વધુ લોકો વિદેશમાં પહોંચી ગયા છે. રેડ દરમિયાન જપ્ત કરેલા કમ્પ્યૂટરમાંથી મળેલા ડેટાને જોઇને પોલીસ પણ ખુદ સ્તબ્ધ થઇ ગઇ છે.

 અમદાવાદ માધુપુરા વિસ્તારમાં આવેલા બીજી ટાવરમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાની એક ફેક્ટરીનો પર્દાફાશ એસઓજીના પીઆઇ પી.એમ.ગામિતે થોડા દિવસ પહેલાં કરતાં પિતા પુત્ર સહિત ચાર શખ્સની ધરપકડ કરી હતી. બીજી ટાવરના બ્લોક નંબર એમાં કોષ્ટી એસોસિએશન નામની કંપનીની આડમાં આરોપીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આપતા હતા. વિદેશમાં જવા ઇચ્છા ધરાવતા યુવકોને ખૂટતા તમામ ડોક્યુમેન્ટ બોગસ બનાવવીને આપતા હતા. વિદેશમાં લઇ જતી અમદાવાદ અને ગુજરાતની મોટાભાગની કંપનીઓ કોષ્ટી એન્ડ ટીમ પાસેથી જ બોગસ ડોક્યુમેન્ટ બનાવડાવતી હતી. પોલીસે રેડ દરમિયાન સંખ્યાબંધ પાસપોર્ટ તેમજ બેન્કનો રબરસ્ટેમ્પ, સેન્ટ્રલ એજન્સીઓના રબરસ્ટેમ્પ, સબ રજિસ્ટ્રારના રબરસ્ટેમ્પ સહિતના બોગસ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. પોલીસે કમ્પ્યુટર જપ્ત કર્યું છે. જેમાં કુલ આઠ ફોલ્ડર મળી આવ્યાં હતાં જેમાં કુલ ૯૯ ફાઇલ હતી. એસઓજી ક્રાઇમ કમ્પ્યૂટરમાં ડેટા જોતાંની સાથે જ સ્તબ્ધ થઇ ગયું હતું. ડેટાની તપાસ કરવા માટે એસઓજીની ટીમે સાયબર ક્રાઇમ પોલીસની મદદ લીધી છે. હજારો ડેટા જોતાંની સાથે એક પછી એક મોટી મોટી કંપનીઓનાં રાઝ સામે આવે તેવી શક્યતા છે. કમ્પ્યૂટર ડેટામાંથી અલગ અલગ લોકોનાં બેન્ક સ્ટેટમેન્ટ, આઇટી રિટર્ન, ટૂરિસ્ટ વિઝા, ગુમાસ્તાધારા અને વેલ્થ સર્ટિફિકેટ હતાં. તમામ ડોક્યુમેન્ટમાં ચેડાં કરીને કોષ્ટી પરિવાર અલગ અલગ લોકોનાં નામે ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો.

Download Our B K News Today App



Related News