અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-08 16:49:33
  • Views : 62
  • Modified Date : 2025-04-08 16:49:33

ગુજરાત સરકારે અમદાવાદ મહા નગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અમદાવાદના આશરે 1,100 માલધારી પરિવારોને પોતાનાં ઘરનો માલિકી હક મળશે.

આ નિર્ણય સંદર્ભે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થા થઈ શકે તેવા આશયથી રાજ્ય સરકારે વર્ષ 1960-61માં જમીન સંપાદન કરી અમદાવાદ મહા નગરપાલિકાને સુપરત કરી હતી.' 

આશરે કુલ 1,099 પ્લોટની ફાળવણી

આ જમીન પર અમદાવાદ મહા નગરપાલિકાએ પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી. જેમાં જશોદાનગર જૂની વસાહતમાં 137 પ્લોટ, જશોદાનગર નવી વસાહતમાં 440 પ્લોટ, ઓઢવ વસાહતમાં 310 પ્લોટ અને અમરાઈવાડીમાં 212 પ્લોટ મળીને ચારેય વસાહતોમાં આશરે કુલ 1,099 પ્લોટની ફાળવણી માલધારી સમાજને કરવામાં આવી હતી. આ ચારેય વસાહતનું અંદાજિત કુલ ક્ષેત્રફળ 6,57,363 ચો.મીટર થાય છે. 

હાલ આ ચારેય રબારી વસાહતોમાં પ્લોટોની ફાળવણીને 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો માલિકી હક્ક આપવા અંગે રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે આજે માલધારી સમાજની વર્ષો જૂની માંગણીને પણ હકારાત્મક વાચા આપતો નિર્ણય કર્યો છે.

રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય

આ તમામ વસાહતોનાં જૂના ભાડૂઆતો અથવા હાલનાં કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન પર તેઓને કાયમી માલિકી હક્ક મળે તે આશયથી અમદાવાદ મહા નગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજારભાવને બદલે રાહતભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફાળવણી કરેલી પ્લોટની જમીન માટે હવે કબજેદાર પરિવારો 6 મહિનામાં પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ ભરીને જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે.

કેટલી ભરવી પડશે ટ્રાન્સફર ફી?

જમીનનો માલિકી હક્ક મેળવવા માટે મૂળ ફાળવણીદારનાં વારસદારોએ ટ્રાન્સફર ફી પેટે રૂ. 1,000ની રકમ AMCને ભરવાની રહેશે. જ્યારે, મૂળ ફાળવણીદાર સિવાયના કબજેદાર એટલે કે, વારસદાર સિવાયના કિસ્સામાં જરૂરી પૂરાવા આપી રૂ. 20,000 ટ્રાન્સફર ફીની રકમ AMCને ભરવાની રહેશે. જમીન એકથી વધુ વાર તબદીલ થઇ હોય, તેવા કિસ્સામાં વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહી. 

Download Our B K News Today App



Related News