જલધારા વોટર પાર્કને ૪.૫ કરોડનાં ખર્ચે અદ્યતન બનાવવા પ્રપોઝલ મંગાવાઈ

  • Published By :
  • Published Date : 2022-09-28 14:11:46
  • Views : 333
  • Modified Date : 2022-09-28 14:11:46

શહેરના દક્ષિણ ઝોનમા આવેલા ઐતિહાસિક કાંકરીયા તળાવની આસપાસના ૨.૫ કીલોમીટરના વિસ્તારને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર તરીકે વર્ષ-૨૦૦૯મા વિકસિત કરવામા આવ્યા બાદ કાંકરીયા લેકફ્રન્ટ પરિસરના મુલાકાતીઓ માટે અવનવા આકર્ષણ શરુ કરવામા આવ્યા હતા.જેમા અટલ એકસપ્રેસ ટ્રેનથી લઈ નોકટરનલ ઝૂ સહિતના સ્થળોએ છેલ્લા કેટલાક વર્ષોમા મુલાકાતીઓનુ આકર્ષણ વધાર્યુ છે.માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના કારણે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરના મુલાકાતીઓને મનોરંજન પુરુ પાડતા સ્થળો ઉપર પણ તેની અસર જોવા મળી હતી.વિવિધ પ્રકારની નાની-મોટી રાઈડસ થી લઈ અન્ય તમામ આકર્ષણ લોકડાઉનના કારણે બંધ રાખવામા આવ્યા હોવાથી લોકો વંચિત રહયા હતા.હવે કોરોનાના કેસની સંખ્યા નહીવત થઈ છે અને લોકો પણ કોરોના સંક્રમણને ભુલી રહયા છે એવા સમયે લેકફ્રન્ટ પરિસરમા આવેલા મનોરંજનના સ્થળોને અપગ્રેડ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરવામા આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ-૨૦૦૯માં કાંકરીયા આસપાસના સમગ્ર વિસ્તારને કાંકરીયા લેકફ્રન્ટ પરિસર તરીકે વિકસીત કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.આ અગાઉના વર્ષોમાં પુનીતનગર માર્ગ, બાલવાટીકા,કાંકરીયા ગેટ નંબર-પાંચ પાસે આવેલી ૧૦,૧૯૪.૧૨ સ્કેવરમીટર જગ્યા જલધારા વોટર પાર્ક તરીકે વિકસીત કરવા ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામા આવી હતી.જલધારા વોટર પાર્કમાં વર્ષ-૨૦૧૯ના વર્ષમા રાઈડ તુટી પડતા ત્રણ લોકોના મોત થયા હતા અને ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ ઘટના બાદ ઘનશ્યામ પટેલની પોલીસે ધરપકડ પણ કરી હતી.બાદમા તે જામીન ઉપર છુટી ગયા હતા.આ સ્થળે વોટર પાર્ક ઉપરાંત લગ્ન માટેના હોલ સહિત અન્ય સુવિધાઓ પણ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કાંકરીયા લેકફ્રન્ટ પરિસરમાં આવેલા ઝૂ ઉપરાંત બાલવાટીકા તેમજ વોટર વર્લ્ડ સહિતના સ્થળોએ સુવિધામા વધારો કરી અદ્યતન બનાવવા આ કામગીરી માટે ટેન્ડરરો પાસેથી ઓફર મંગાવવામા આવી છે.૩ ઓકટોબરના રોજ પ્રી-બીડ મિટીંગ યોજવામાં આવી છે. જલધારા વોટર પાર્કને અંદાજે રુપિયા ૪.૫ કરોડના ખર્ચે ડેવલપ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે.

જલધારા વોટર પાર્કમા કઈ-કઈ સુવિધા છે?

જલધારા વોટર પાર્કમા શીખાઉ અને અનુભવી એમ બંને પ્રકારના તરવૈયા માટેના અલાયદા સ્વીમિંગ પુલ આવેલા છે.ઉપરાંત બાળકો માટેનો સ્વિમિંગ પુલ, રાઈડસ,કિડસ ઝોન, રેસ્ટોરન્ટ વીથ કીચન,પાર્કીંગ સહિતની સુવિધાઓ આવેલી છે.

જલધારા વોટર પાર્ક કોમર્શિયલ છતાં તેને પ્રોપર્ટી ટેકસમાંથી મુકિત આપવા ઠરાવ થયેલો છે

મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની ૧૦ હજાર સ્કેવર મીટરથી વધુ જગ્યામા જલધારા વોટર પાર્કના નામે ઘનશ્યામ પટેલે કોમર્શિયલ પ્રવૃત્તિ કરી હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૭ ફેબુ્રઆરી-૨૦૦૪ના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના સંચાલક ઘનશ્યામ પટેલને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભરવાપાત્ર થતા મિલકતવેરામાંથી મુકિત આપવા ઠરાવ પસાર કરીને શાસકોએ તેમના કાંડા કાપીને આપી દીધા હતા.પંદર વર્ષનો એગ્રીમેન્ટ કરવામા આવ્યો હતો.

વોટરપાર્કની આવકનો અમુક હીસ્સો મ્યુનિ.કોર્પોરેશનને આપવાનો હતો

વોટરપાર્કની આવકના વાર્ષિક રુપિયા ૧૬.૨ લાખ ઉપર પહેલા વર્ષે પાંચ ટકા, બાદમા જે રકમ આવે એના ૨.૫ ટકા પાંચ વર્ષ સુધી મ્યુનિ.ને હીસ્સો આપવાનો હતો.પાંચ વર્ષ બાદ કરાર પુરો થાય ત્યા સુધી કોઈ વધારો આપવાનો નહોતો.

Download Our B K News Today App



Related News