ગઇકાલે અમદાવાદમાં ઘટી હતી મોટી દુર્ઘટના

  • Published By :
  • Published Date : 2022-09-15 13:41:36
  • Views : 256
  • Modified Date : 2022-09-15 13:41:36

અમદાવાદની એડોર એસ્પાયર-2 બિલ્ડિંગમાં ગઇકાલે લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. જે મામલે બિલ્ડરને આજે સાઇટ ક્લોઝર નોટિસ ફટકારાઇ છે.

અમદાવાદમાં ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી નજીક એડોર એસ્પાયર-2માં લિફ્ટ તૂટતા 7 નિર્દોષ શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ મામલે 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 3 કોન્ટ્રાકટરો વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ત્યારે હવે આ મામલે બિલ્ડરને સાઇટ ક્લોઝર નોટિસ ફટકારાઇ છે. તદુપરાંત મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર ચૂકવાશે કે જેની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે.

મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખનું વળતર આપવામાં આવશે;

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમદાવાદમાં એડોર એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટવાના કારણે 7 શ્રમિકોના મોત થયા હતા. જેમાં પોલીસે કોન્ટ્રાક્ટર સૌરભ શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને નૈમિશ પટેલની ધરપકડ કરી હતી. આ સાથે હવે બિલ્ડરને સાઇટ ક્લોઝરની પણ નોટિસ  ફટકારાઈ છે. તદુપરાંત શ્રમ રોજગાર વિભાગે બિલ્ડર સામે ફરિયાદ પણ નોંધાવી છે. એ સિવાય આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવાશે. આ વળતરની રકમની વસૂલાત બિલ્ડર પાસેથી જ કરાશે. આ દુર્ઘટનામાં કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો કામ કરતા હતા. આથી, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે ખુલ્યું છે.

ACP એલ.બી.ઝાલા:સેફ્ટીની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે

ઘટના અંગે ACP એલ.બી.ઝાલાએ પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે, 'કોન્ટ્રાક્ટર સૌરભ શાહ અને પેટા કોન્ટ્રાક્ટર ઝડપાઇ ગયા છે. સરકારી એજન્સીની કેવી જવાબદારી હતી તેની તપાસ કરાઇ. અવ્યવસ્થાને લઈને ખામીઓની તપાસ કરવામાં આવી છે. તપાસમાં જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે. સેફ્ટીની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. જુદા-જુદા વિભાગના લોકો પાસેથી માહિતી મેળવીને કાર્યવાહી કરાઇ. એડોર ગ્રુપની માહિતી મેળવવામાં આવશે. તપાસમાં જે-તે વ્યક્તિની સામે કાર્યવાહી પણ કરાશે. બિલ્ડરની બેદરકારી હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. હંગામી સ્ટ્રક્ચર બન્યું હતું તે કારણભૂત હતું.'

શ્રમિકોના મોત બાદ AMCએ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરી હતી

એડોર સાઈટ પરની દુર્ઘટનાને લઇ શ્રમિકોના મોત બાદ AMC મહત્વનો નિર્ણય લીધો છે. AMC દ્વારા સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી હતી.

તમામ શ્રમિકો રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા

એસ્પાયર-2 બિલ્ડિંગના અકસ્માતમાં જે 7 શ્રમિકોના મૃત્યુ થયા છે તેમાના 4 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવ ગામના વતની છે અને બે મૃતકો દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ગામના વતની છે., એસ્પાયર-2નું કન્ટ્રક્શન ભરત ઝવેરી નામના વ્યક્તિ પાસે છે. તમામ મૃતક શ્રમિકો કન્સ્ટ્રક્શનના કામમાં રોજગારી મેળવવા અમદાવાદ આવ્યા હતા. આ ઘટનાને પગલે અમદાવાદ મનપાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી

શું થયું હતું સમગ્ર ઘટના માં?

અમદાવાદમાં ગઇકાલે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બાંધકામ સાઈટ પર 13માં માળેથી સ્લેબ તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાત મજૂરોને કાળ આંબી ગયો હતો તો એકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, બિલ્ડિંગના 13મા માળે સ્લેબ પર લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ શ્રમિકો કરી રહ્યાં હતા. આ દરમિયાન ભારે વજનને કારણે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં લિફ્ટ તૂટતાં જ આઠેય શ્રમિકો એકસાથે નીચે પટકાયા હતા. શ્રમિકો માટે કામ કરવા દરમિયાન 8મા માળે નેટ પણ બાંધવામાં આવી હતી. આથી શ્રમિકો 8માં માળે આવેલી નેટમાં પણ પડ્યા હતા, પરંતુ ભારે વજનના કારણે નેટ પણ તૂટી ગઇ હતી. આથી નેટ તૂટતાં જ 8મા માળેથી શ્રમિકો ધડામ દઇને નીચે પટકાયા હતા. એમાં 2 શ્રમિક ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા, જ્યારે 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા.



Download Our B K News Today App



Related News