ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ આંકડા ગણાવી સરકારને પૂછ્યું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 17:05:58
  • Views : 168
  • Modified Date : 2022-12-15 17:05:58

તૃણમૂંલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુવા મોઇત્રાએ મંગળવારે લોકસભામાં ગ્રાન્ટની માંગણીના મુદ્દે બોલતા કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને કથળી ગયેલા અર્થતંત્રના મુદ્દે આક્રમક પ્રવચન કરતાં સરકારની ઝાટકણી કાઢી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા જ બહાર પડાયેલી આંકડાકીય માહિતીમાં દર્શાવેલા આંકડા ગણાવતા સરકારને સીધો અને વેધક પ્રશ્ન કર્યો હતો કે બોલો અસલી પપ્પુ કોણ છે? ભાજપના મોટાભાગના નેતાઓએ ભૂતકાળમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પપ્પુ કહી તેમનું પમાન કર્યું હતું તેના સંદર્ભમાં મોઇત્રાએ આજે સરકારને જ કઠેડામાં ખડી કરી દઇ આડકતરી રીતે તેને પપ્પુ કહી દીધી હતી.

દેશના નબળા અર્થતંત્ર અંગે મળી રહેલાં સંકેતો અને દેશનું અર્થતંત્ર સંભાળવાની સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા ટીએમસી સાંસદે કહ્યું હતું કે ગત ફેબ્રુઆરીમાં સરકારે દેશના લોકોને આશ્વાસન આપ્યું હતું કે દેશનું અર્થતંત્ર ખુબ સારી રીતે મજબૂત થઇ રહ્યું છે, કેમ કે લોકોને મફતમાં ગેસ સિલિન્ડર મળી રહ્યા છે, પાકા મકાનો મળી રહ્યા છે, પરંતુ સરકારે લોકો સમક્ષ હળહળતુ જૂઠાણુ ચલાવ્યું હતું.

મહુવા મોઇત્રાએ સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓને જૂઠા કહેતા ઉમેર્યું હતું કે આઠ મહિનામાં જ તમામ તથ્યો બહાર આવી ગયા છે, બોલો હવે અસલી પપ્પુ કોણ છે? તેમણએ કહ્યું હતું કે કેટલાંક લોકોનું અપમાન કરવા પપ્પુ શબ્દનો ઉપયોગ થઇ રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા જ દર્શાવે છે કે અસલી પપ્પુ કોણ છે?

નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા બહાર પડાયેલી આંકડાકીય માહિતીનો સંદર્ભ લેતાં મોઇત્રાએ દાવો કર્યો હતો કે ઓક્ટોબર મહિનામાં જ દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 4 ટકા ઘટીને છેલ્લા 26 મહિનાના નિમ્ન સ્તરે પહોંચી ગયું હતું. તદઉપરાંત દેશનું સૌથી મોટા ઉત્પાદક ક્ષેત્ર ગણાતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉપલબ્ધ નોકરીઓમાં પણ 5.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. તે ઉપરાંત મોઇત્રાએ હિમાચલ પ્રદેશમાં ભાજપની થયેલી કારમી હારનો પરોક્ષ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું ગૃહ રાજ્ય બચાવી શક્યા નથી, બોલો, હવે અસલી પપ્પુ કોણ છે? કેન્દ્ર સરકારની દ્વેષયુક્ત નીતિનો ઉલ્લેખ કરતાં મહુવાએ કહ્યું હતું કે વિરોધપક્ષના નેતાઓને હેરાન પરેશાન કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)નો ઉપયોગ થઇ રહ્યો છે. સરકારે વાસ્તવમાં જાહેર કરવું જોઇએ કે ઇડી દ્વારા કરાયેલા કુલ કેસમાં કેટલાં કેસમાં શકમંદોને દોષિત જાહેર કરાયા હતા. શું લોકોને હેરાન કરવા માટે જ ઇડીનો ઉપયોગ કરાઇ રહ્યો છે એમ કહેતાં ફરી મોઇત્રાએ પ્રશ્ન કર્યો હતો કે બોલો, હવે કોણ અસલી પપ્પુ છે?

Download Our B K News Today App



Related News