અમદાવાદનું દંપતી પહેલગામમાં ડૂબ્યું, રિવર રાફટિંગ સમયે બોટ ડૂબી, હવાઇ માર્ગે બંન્નેના મૃતદેહ વતન લવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-24 15:54:27
  • Views : 268
  • Modified Date : 2023-05-24 15:54:27

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં રિવર રાફટિંગ દરમિયાન ડૂબી જવાથી અમદાવાદના દંપતીનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા બાદ ગાંધીનગરના મોતીપુરા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. પતિ-પત્નીના મૃતદેહોને હવાઈ માર્ગે ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મૂૂળ ગાંધીનગરના મોતીપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભીખાભાઈ પટેલ અને તેમના પત્ની સુમિત્રાબેન વેવાઇ સાથે જમ્મુ-કાશ્મીર ફરવા માટે ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ ફર્યા બાદ આ તમામ પહેલગામ ખાતે પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ભીખાભાઈ પટેલ, તેમના પત્ની સુમિત્રાબેન અન્ય સહેલાણી સાથે રિવર રાફટિંગ કરવા માટે બોટમાં બેસ્યા હતા. આ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં બોટ હિલોળે ચડવા માંડી હતી. જે બાદ બોટ અચાનક પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ દુર્ઘટનામાં બોટમાં સવાર ચાર પૈકી એકનો બચાવો થયો હતો. તો ભીખાભાઈ, તેમના પત્ની અને અન્ય એકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. આ દુઃખદ સમાચારની જાણ થતાં ગાંધીનગરના મોતીપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંનેના મૃતદેહને વિમાન દ્વારા વતનમાં લાવવામાં આવી રહ્યા છે. તો કેનેડા ખાતે રહેતા દીકરાને આ દુઃખદ સમાચાર મળતા તે પણ કેનેડાથી ભારત આવવા રવાના થઈ ગયો હોવાનું જણવા મળ્યું છે.

 

Download Our B K News Today App



Related News