જર્મનીમાં પરિસ્થિતિ ખરાબ, ફરીથી 14 દિવસના કડક લોકડાઉનની તૈયારી; બ્રાઝિલમાં સતત બીજા દિવસે ત્રણ હજારથી વધુ લોકોનાં મૃત્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 15:30:23
  • Views : 466
  • Modified Date : 2021-03-28 15:30:23

    જર્મનીમાંકોરોનાના કારણે પરિસ્થિતી વધુ ખરાબ બની રહી છે. અહીં ફરીથી 14 દિવસનું કડક લોકડાઉન લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જર્મનીના આરોગ્ય પ્રધાન જેન્સ સ્પાહે જણાવ્યું હતું કે કોરોનાને કાબૂમાં લેવા માટે દેશમાં 10 થી 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. અમે તેના પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. ગયા વર્ષે પણ આ જ સમયે, અમે દેશવાસીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. આ વખતે પણ આવી જ પરિસ્થિતિ બની રહી છે.

    આ દરમિયાન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલના ચીફ ઓફ સ્ટાફે પણ દેશના કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હેલ્ગ બ્રોને કહ્યું કે અમે આ સમયે સૌથી જોખમી તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. અમારે આગામી થોડા અઠવાડિયામાં કોરોના પર કાબૂ મેળવવો પડશે.બ્રોને વધુમાં કહ્યું, 'આગામી થોડા અઠવાડિયા નક્કી કરવામાં આવશે કે અમે આ મહામારી પર કાબૂ મેળવી શકીશું કે નહીં?" જો સંક્રમણ આ જ રીતે સતત વધતું રહ્યું, તો કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ પણ વધશે અને કદાચ તેથી વેક્સિનની જરૂર પર અસર થશે. જો તેમ થાય, તો અમને નવી વેક્સિનની જરૂર પડશે અને અમારે ફરીથી વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવો પડશે.'

    બ્રાઝિલમાં દિવસેને દિવસે પરિસ્થિતી વધુ ખરાબ થતી જાય છે. અહીં ગત દિવસે કોરોનાના 83,039 કેસ નોંધાયા હતા અને 3368 લોકોના મૃત્યુ થયા. આ સતત બીજો દિવસ છે જ્યારે અહીં 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા શનિવારે 3600 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બ્રાઝિલ વિશ્વનો બીજો સૌથી વધુ સંક્રમિત દેશ છે. અમેરિકા પ્રથમ છે અને ભારત ત્રીજા નંબરે છે.

    ઇટલી સરકાર તે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે જેમણે કોરોના વિરુદ્ધ વેક્સિનેશનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન મારિયો ડ્રાઘીએ કહ્યું કે અમે નથી ઇચ્છતા કે જે કર્મચારીઓએ વેક્સિન લીધી નથી તેઓ બીમાર લોકોના સંપર્કમાં આવે. આવી સ્થિતિમાં જે આરોગ્ય કર્મચારીઓએ વેક્સિન લેવાની ના પાડી છે, તેઓએ વેક્સિન લેવી પડશે, નહીં તો તે લોકોની સામે કડક કાર્યવાહી કરવા મજબૂર બનીશું.

    છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં 5.70 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન 9 હજારથી વધુ લોકોના મૃત્યુ પણ થયા હતા. વિશ્વમાં અત્યાર સુધીમાં 12.72 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 10.25 કરોડ લોકો સાજા થયા છે અને 27.88 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 2.19 કરોડ દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડા Worldometers.info/coronavirus અનુસાર છે.


Download Our B K News Today App



Related News