ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની એન્ટ્રી!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-02 13:52:37
  • Views : 46
  • Modified Date : 2026-03-02 13:52:37

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક ભયાનક વળાંક પર પહોંચ્યું છે. આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ એવું માનવામાં આવતું હતું કે ઈરાન નબળું પડશે, પરંતુ હવે ઈરાનના સૌથી શક્તિશાળી સાથી 'હિઝબુલ્લાહ'ની એન્ટ્રીએ સમગ્ર મધ્ય પૂર્વમાં ખળભળાટ મચાવી દીધો છે.

મધ્ય પૂર્વમાં તણાવ હવે તેની ચરમસીમાએ છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ પણ જંગ અટકવાનું નામ નથી લઈ રહી. અત્યાર સુધી શાંત બેઠેલું લેબેનૉનનું સંગઠન 'હિઝબુલ્લાહ' હવે મેદાનમાં ઉતર્યું છે. જે હિઝબુલ્લાહને ખામેનેઈએ વર્ષો સુધી હથિયારો, પૈસા અને ટ્રેનિંગ આપીને મજબૂત બનાવ્યું હતું, તેણે હવે ઈઝરાયલ પર રોકેટ મારો શરુ કરીને યુદ્ધમાં સત્તાવાર એન્ટ્રી કરી દીધી છે.

ઈઝરાયલની સેનાએ પુષ્ટિ કરી છે કે આજે વહેલી સવારે લેબેનૉન તરફથી ઈઝરાયલના હાઇફા શહેર પર છ રોકેટ ઝીંકવામાં આવ્યા હતા. આ હુમલાએ ઈઝરાયલને ચોંકાવી દીધું છે, કારણ કે 2024ના સીઝફાયર બાદ લેબેનૉન તરફથી થયેલો આ પહેલો મોટો હુમલો છે. જોકે ઈઝરાયલે આ રોકેટને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ હવે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપરાંત લેબેનૉન સરહદે પણ સાવધ રહેવું પડશે.

દુનિયાભરમાં એ સવાલ પૂછાઈ રહ્યો હતો કે જ્યારે ઈરાન પર આટલા મોટા હુમલા થઈ રહ્યા છે ત્યારે તેનું અઘોષિત સૈન્ય ગણાતું હિઝબુલ્લાહ કેમ મૌન છે? નિષ્ણાતોના મતે, 2024માં ઈઝરાયલ સામેના જંગમાં હિઝબુલ્લાહ નબળું પડ્યું હતું, પરંતુ હવે ખામેનેઈના મોત અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ બાદ તે ફરી સક્રિય થયું છે. ઈરાન અને હિઝબુલ્લાહ હવે સાથે મળીને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

હિઝબુલ્લાહના જોડાવાથી આ જંગ હવે માત્ર બે દેશો પૂરતી સીમિત રહી નથી. ઈરાને પણ તેલ અવીવ અને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકાના એરબેઝ પર મિસાઇલ હુમલા કર્યા છે. અમેરિકાએ પ્રથમવાર સ્વીકાર્યું છે કે આ હુમલામાં તેના ત્રણ સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ, ઈઝરાયલ અને અમેરિકાએ પણ ઈરાનમાં ભારે તબાહી મચાવી છે. હોળીના તહેવાર વચ્ચે દુનિયા બોમ્બ અને મિસાઇલની 'વિનાશક દિવાળી' જોઈ રહી છે.

 

Download Our B K News Today App



Related News