ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ નહીં નડે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-02 12:32:56
  • Views : 50
  • Modified Date : 2026-03-02 12:32:56

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા જંગની સીધી અસર અત્યારે ક્રૂડ ઓઈલના ભાવ અને સપ્લાય ચેઈન પર જોવા મળી રહી છે. ખાસ કરીને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ થવાની ભીતિએ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. જોકે, આ વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે મોદી સરકારનો 'પ્લાન-B' અત્યારે કારગત સાબિત થઈ રહ્યો છે. 

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહે તો પણ ભારત પોતાની ઘરેલું માંગને પહોંચી વળવા માટે વૈકલ્પિક બજારો અને સપ્લાય રૂટનો ઉપયોગ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. ભારત સરકારે છેલ્લા કેટલાક સમયમાં તેલની આયાત માટે કોઈ એક દેશ કે રૂટ પર નિર્ભર રહેવાને બદલે વિવિધ દેશો સાથે સંબંધો વધારીને સપ્લાય સોર્સનું વિવિધીકરણ કર્યું છે. આ રણનીતિને કારણે જ અત્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ હોવા છતાં ભારત પર ઊર્જા સંકટ તોળાઈ રહ્યું નથી. 

ભારત પાસે હાલમાં શોર્ટ ટર્મ અવરોધોને પહોંચી વળવા માટે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે. દેશના વ્યૂહાત્મક ભંડારો LPG અને LNGની માંગને આશરે 15 દિવસ સુધી અને ક્રૂડ ઓઈલની જરૂરિયાતને લગભગ 45 દિવસ સુધી પૂરી કરી શકે તેમ છે. જોકે, સપ્લાય સુરક્ષિત હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા ભાવ ભારત માટે પડકારજનક બની શકે છે. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ હાલમાં 7 મહિનાની ઊંચી સપાટીએ એટલે કે 73 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે, જેની અસર મોંઘવારી અને દેશના ચાલુ ખાતાની ખાધ પર પડી શકે છે. નોંધનીય છે કે હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વના ઓઈલ રૂટમાંથી એક છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો 20% હિસ્સો પસાર થાય છે. આવી સ્થિતિમાં ભારતની સોર્સિંગ રૂટ બદલવાની અને વ્યૂહાત્મક ભંડારનો ઉપયોગ કરવાની ક્ષમતા દેશ માટે સુરક્ષા કવચ સમાન સાબિત થઈ રહી છે.

 

Download Our B K News Today App



Related News