કારનું ટાયર ફાટતા બે કીમી સુધી પોલીસે પીછો કર્યો હતો, બિહારના નકસલી વિસ્તારમાં 20 કીમી સુધી આરોપીનો પીછો કરીને દબોચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-28 16:13:02
  • Views : 496
  • Modified Date : 2023-02-28 16:13:02

દસેક જેટલા ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે બિહારના નક્સલી વિસ્તારમાં જંગલમાં બે કિલોમીટરની દોડ લગાવી રીઢા ગુનેગાર વિવેકને પકડી પાડ્યો હતો. જે બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે. આરોપી સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો.

સુરતમાં 10 કેસમાં વોન્ટેડ આરોપી વિવેક ભૂમિહારને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બિહારમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે કારમાં 20 કિલોમીટર સુધી આરોપીનો પીછો કર્યો અને આરોપીની પાછળ દોડ લગાવી જંગલમાંથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિવેકને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા હતા અને આરોપી વિવેક એટીએમ ચિટીંગના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત તેની સામે ડીંડોલી, પાંડેસરા, ઉધના પુણા સહિત 10 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અલગ-અલગ ગુનામાં વોન્ટેડ હતો.

આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. તે પોતાના ઘરે પણ રહેતો ન હતો અને પોતાના વતનની આસપાસના આજુબાજુના ગામડામાં છુપાઈને રહેતો હતો. સુરત પોલીસની માહિતી મળી હતી કે, આરોપી વિવેક તેના દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઘરે આવવાનો છે. વિવેકની ગેરહાજરીમાં તેની પત્ની અને દીકરો વિવેકના સાસરિયામાં રહેતા હતા અને ક્યારેક આરોપી વિવેક તેના પત્ની અને દીકરાને મળવા જતો હતો.

જોકે આરોપી તેના વતનમાં પોતાના ભાઈની આઇ 20 કાર લઈને ફરતો હતો અને જ્યારે આરોપીને પકડવા માટે પોલીસ તેની પાછળ પડી ત્યારે આરોપી કાર લઈને 20 કિલોમીટર સુધી ભાગ્યો હતો અને 20 કિલોમીટર સુધી ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો પીછો કર્યો હતો. ત્યાર બાદ આરોપીની કારનું ટાયર ફાટી ગયું હોવાના કારણે તે કાર મૂકીને જંગલમાં ભાગી ગયો હતો અને ક્રાઈમ બ્રાન્ચે જંગલમાં 2 કિલોમીટર આરોપીનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. આરોપી પકડાયો ત્યારે તે સ્થાનિક લોકોને એવું કહેવા લાગ્યો હતો કે આ લોકો મારું અપહરણ કરે છે. તેથી ટોળું ભેગું થઇ ગયું હતું, પરંતુ પોલીસે પોતાની ઓળખ સુરત ક્રાઈમ બ્રાન્ચ તરીકે આપતા મામલો થાણે પડ્યો હતો. ત્યાર બાદ આરોપીને પકડી સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ મેળવી આરોપીને સુરત લાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એટીએમ ચિટીંગના ગુનામાં અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીના સાગરીત રાજીવ ભૂમિહાર અને મનીષ ભૂમિહાર નામના શખ્સોને પકડ્યા હતા અને બંને સાથે વિવેક બિહારથી ફ્લાઈટમાં સુરત આવતો હતો અને એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ કરતો હતો. ત્રણેય આરોપીઓએ એટીએમના પૈસા ઉપાડવા આવતા વ્યક્તિઓના કાર્ડનો ડેટા ચોરી કરી વ્યક્તિના પીન નંબરનો ઉપયોગ કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી દિલ્હી અને બિહારના એટીએમ મારફતે તેઓ પૈસા ઉપાડતા હતા

Download Our B K News Today App



Related News