ઉનાળાની શરૂઆત ટાંણે જ રાજ્યમાં કમોસમી વરસાદની વકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 14:37:33
  • Views : 450
  • Modified Date : 2023-03-04 14:37:33

સમગ્ર રાજ્યમાં રાજ્યમાં ઉનાળાની શરુઆત ટાંણે જ કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં શુક્રવારથી અઠવાડિયાના અંત સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક તરફ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે અને તેની વચ્ચે વરસાદ થવાથી ડબલ ઋતુના બદલે ટ્રિપલ ઋતુનો અનુભવ લોકોને થઈ શકે છે. નોંધનીય છે કે, બેવડી ઋતુને કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે ત્યારે બે થી ત્રણ દિવસ વરસાદ પડશે તો રોગચાળો વકરવાની અને પાકને નુકસાન થવાની પણ ભીતી સેવાઇ રહી છે.

હવામાન વિભાગના  ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે કે, "4,5 અને 6 તારીખે વરસાદ થઈ શકે છે, મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. મોટાભાગે રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે. આ કારણે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ ત્રણ દિવસ સુધીમાં થવાની આગાહી છે."

આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની આગાહી છે, પરંતુ કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાનમાં આવી રહેલા પલટાની અસર જોવા મળશે. વરસાદની સંભાવના વચ્ચે રાજ્યમાં આકરી ગરમી રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દિવસ દરમિયાનના તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરતા ડૉ. મોહંતીએ જણાવ્યું કે, દિવસ દરમિયાનનુ તાપમાન 48 કલાકમાં વધવાની સંભાવના છે. જેમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યારે દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારોમાં 4 ડિગ્રી સુધી પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. જો કે, અઠવાડિયાના અંતમાં વરસાદની સાથે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News