અફઘાનિસ્તાનમાં તાલિબાન લશ્કરે આઇએસના આઠ આતંકીને ઠાર માર્યાઃ નવની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-07 15:28:09
  • Views : 452
  • Modified Date : 2023-01-07 15:28:09

અફઘાનિસ્તાનમાં તાલિબાન લશ્કરે આતંકી સંગઠન આઈએસના કેમ્પો પર દરોડા પાડ્યા હતા, જેમાં આઇએસના આઠ આતંકીઓ ઠાર થયા હતા. નવની ધરપકડ કરવામાં આવી હતી. અનેક કેમ્પોનો નાશ કરાયો હતો.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદના કહેવા પ્રમાણે પાટનગર કાબુલ સહિત દેશભરમાં આઈએસના કેમ્પોનો ખાતમો બોલાવાયો હતો. નિમરોઝ પ્રાંત સહિતના સ્થળોએ આતંકી કેમ્પોને તોડી પડાયા હતા.

તાલિબાને અલગ અલગ ઓપરેશનમાં આઠ આતંકીઓને ઠાર કર્યા હતા. કાબુલમાં આઈએસના ઠેકાણાને તોડી પાડ્યા બાદ નિમરોઝ પ્રાંતમાં પણ આઈએસ પર હુમલો કરાયો હતો. બંનેમાં થઈને આઠ આતંકીઓ માર્યા ગયા હતા. કાબુલમાંથી સાત અને નિમરોઝમાંથી બે એમ કુલ બંને ઓપરેશનમાં મળીને નવની ધરપકડ થઈ હતી.

આઈએસના આતંકવાદીઓએ અફઘાનિસ્તાન સ્થિત પાકિસ્તાની દૂતાવાસ ઉપરાંત કાબુલની હોટેલ અને લશ્કરી એરબેઝ પર હુમલા કર્યા હતા. એ પછી તાલિબાનની સરકારે આઈએસ પર વળતો હુમલો કર્યો હતો અને દેશભરમાં આઈએસના કેમ્પોને નિશાન બનાવીને દરોડા પાડયા હતા. ઠાર થયેલા આઈએસના આતંકીઓમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો.

એટલે કે આતંકી સંગઠન આઈએસમાં ભરતી થયેલા અન્ય દેશના નાગરિકો આતંકવાદી બનીને હુમલા કરતા હતા એ પણ તાલિબાનની કાર્યવાહીમાં માર્યા ગયા હતા. આતંકી ઠેકાણા પર દરોડાં પાડ્યા એ દરમિયાન તાલિબાને આઈએસના હથિયારનો જથ્થો, બુલેટપ્રૂફ જેકેટ્સ, વિસ્ફોટક સામગ્રી, ગ્રેનેડ વગેરે જપ્ત કર્યા હતા.

Download Our B K News Today App



Related News