સુરતનાં તાંત્રિકે ઘરમાંથી લાખોના દાગીના-રૂપિયા ચોર્યા પછી શ્રીફળમાંથી મંગળસૂત્ર કાઢ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-02 15:58:32
  • Views : 432
  • Modified Date : 2023-03-02 15:58:32

શહેરમાં તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાઈને એક કોન્ટ્રાક્ટરે પાંચ લાખ રૂપિયાના ઘરેણાં ગુમાવવાનો વારો આવ્યો હતો. ધંધામાં મુશ્કેલી આવતી હોવાના કારણે આ કોન્ટ્રાક્ટર તાંત્રિક વિધિ કરાવવા ગયો હતો અને તેને પાંચ લાખ રૂપિયાના ઘરેણા ગુમાવવા પડ્યા અને અંતે આ સમગ્ર મામલો સીંગણગોર ડભોલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જે બાદ પોલીસે તાંત્રિક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતના સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં વિધિ કરવાનું કહીને તાંત્રિક ફરિયાદીના પાંચ લાખ રૂપિયાના ઘરેણાં કપડા લઇ ગયો હતો. ત્યારબાદ તાંત્રિકે પોતાનો મોબાઈલ બંધ કરી દેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. કતારગામના ડભોલી વિસ્તારમાં મનોજ પટેલ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને તેમને કોન્ટ્રાક્ટરના બિઝનેસમાં છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલી આવતી હોવાના કારણે પરિચિત રઘુ મારું નામના વ્યક્તિએ રેલવે સ્ટેશન અમીશા હોટલ પાસે રહેતા તાંત્રિક હર્ષદ રાણાની મુલાકાત કોન્ટ્રાક્ટર મનોજ પટેલ સાથે કરાવી હતી.

તાંત્રિક હર્ષદ રાણા 21 દિવસમાં ત્રણ વખત મનોજ પટેલના ઘર પર આવ્યો હતો અને જ્યારે તે ઘરે આવતો હતો ત્યારે મનોજ પટેલને ઘરના ટેરેસ પર મોકલી દેતો હતો અને કહેતો હતો કે તમારું બંધન કોઈકે કર્યું છે અને પૂજા કરવાથી આ બંધન દૂર થશે અને ત્યારબાદ તમામ કાર્યો સફળ થશે. તો બીજી તરફ લાલ કલરના કપડામાં ઘરમાં રહેલા તમામ દાગીનાઓ આ તાંત્રિક મુકાવ્યા હતા અને ત્યારબાદ આ દાગીનાની પોટલી બનાવીને ડ્રોવરમાં મૂકી દીધી હતી.

થોડા દિવસ પછી આ પોટલી ફરિયાદીએ ખોલી હોવાના કારણે તેમાંથી કેટલીક નોટો નીકળી હતી. અંદાજે 15000 રૂપિયા આ ડ્રોવરમાંથી મળી આવ્યા હતા. પરંતુ પાંચ લાખ રૂપિયાના ઘરેણા ગાયબ હતા. તેથી આ બાબતે ફરીથી મનોજ પટેલ દ્વારા તાંત્રિકનો સંપર્ક કરવામાં આવ્યો અને છ ફેબ્રુઆરીએ તાંત્રિક હર્ષદ રાણાએ મનોજ પટેલને બોમ્બે માર્કેટ પાસે આવેલા મામાદેવના મંદિરે બોલાવ્યા હતા અને ત્યારબાદ તાંત્રિકે એક જ શ્રીફળ વધેરી તેમાંથી ફરિયાદીની પત્નીનું મંગળસૂત્ર નીકળ્યું હતું અને તાંત્રિકે મનોજ પટેલને આશ્વાસન આપ્યું હતું કે બીજા ઘરેણા પણ આ જ પ્રકારે મળી જશે.

Download Our B K News Today App



Related News